તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 28, 2011

પ્રકરણ ૨- બા અને ચા અને ‘ડબલું સ્કૂલ’


પ્રકરણ ૨- બા અને ચા અને ‘ડબલું સ્કૂલ’

                    અત્યારે મને બે પરસ્પર વિરોધાભાસી પંક્તિઓ યાદ આવે છે. પ્રથમ પંક્તિ છેઃ

દેવ પુરુષ દૂધ પીવે,
ચતુર પીવે ચા,
કપટી માણસ કોફી પીવે,
ને મૂરખ પાડે ના.’
અને બીજી પંક્તિ છેઃ
બાવા પીવે કાવા,
ને મૂરખા પીવે ચા,
ચતુર માણસ કોફી પીવે,
ને સમજુ પાડે ના.’

નાનપણમાં હું ચતુર હતો એટલે કે ચા પીતો હતો અને તેનું કારણ હતું મારા બા. મારી પર તે ખૂબ હેત રાખતા હતા. મારા દાદા તો મારા પપ્પાના અભ્યાસકાળ દરમિયાન જ સ્વર્ગવાસી થયા હતા એટલે બા એ લાંબુ વૈધવ્ય વેઠ્યું હતું. તેઓએ કોઈ પ્રાથમિક શાળામાં શિક્ષિકા બની ઘર ચલાવ્યું હતું અને માટે જ મારા પપ્પાએ પણ નાની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી નાખેલ. આથી મારા ફઇ અને પપ્પાના લગ્ન બાદ બા જાણે કે નિવૃત્ત થયા હતા અને વડીલોની નિવૃત્તિની પ્રવૃત્તિ એટલે બાળકો. આ ઉપરાંત તેઓ એ પેઢીનું પ્રતિનિધિત્વ કરતા હતા જેમાં છોકરાઓને છોકરીઓ કરતા વધારે મહત્વ અપાતું. એટલે હું તેમનો વિશેષ લાડકો હતો.

હું કોઈ ચંપાબેનને ત્યાં બાલ મંદિરમાં જતો હતો તે મને ખબર છે પણ ત્યાંની કોઈ યાદદાસ્ત મારા મગજમાં બચી નથી. બાલ મંદિર પછી પહેલા ધોરણમાં હું ત્યાંની એક મિશનરી સ્કૂલમાં ભણવા જતો. મને યાદ છે ત્યાં સુધી બપોરે ચાર વાગ્યે અમારો છૂટવાનો સમય હતો. હું ઘરે પહોચું તે સમયે મારા બા એ મારા માટે એક કપ ચા બનાવી જ રાખી હોય. જેવો હું ઘરે પહોચું કે તે મને એક રોટલી, ઘી અને ચા આપતા. (યાદ તો નથી, પણ સવારે પણ મને ચા પિવડાવામાં આવતી હશે તેવું મારુ અનુમાન છે.) તેથી મને રોજ ચા જોઈએ જ અને જો તે ના મળે તો મારામાં અસ્વસ્થતા આવી જતી. કદાચ માથું દુખતું કે એવું જ કંઈ પણ મતલબ તો એજ થયો કે મને ચા નું વ્યસન થઈ ગયું હતું. અને મારી મમ્મીએ આ વાત નોંધી હતી.

એક વખત તેણે નિર્ધાર કર્યો કે, ‘હવે તો ચિન્ટુને ચા છોડાવવી જ પડશે.’ મને નાનપણમાં ચિન્ટુ કહેતા અને ત્યારે શાળામાં મારુ નામ ચાલતું હતું ચિંતન. તેણે અમારું દૂધ જયાંથી ખરીદાતું હતું તે ડેરી વાળા ભાઈને સમજાવ્યા કે હું ત્યાં દૂધ લેવા જઉં તો તેમણે એક જ જવાબ આપવો કે દૂધ ખલાસ થઈ ગયું છે. પછી જ્યારે હું ઘરે ચા માંગુ તો એમ કહેવાતું કે દૂધ નથી. હું તપેલી લઈને ડેરીએ જતો તો ત્યાં પણ એમ જ જવાબ મળતો કે દૂધ ખલાસ થઈ ગયું છે. મારી મમ્મી મને કહેતી કે હું પછી માથું પકડીને બેસી જતો અને અસ્વસ્થ રહેતો. પણ ધીરે-ધીરે હું દેવ પુરુષ થવા લાગ્યો હતો મતલબ કે દૂધ પીવા લાગ્યો હતો અને તે આદત આજ સુધી મે જાળવી રાખી છે. અને મને અત્યારે એ દીર્ઘદ્રષ્ટિ પર માન થાય છે કારણકે આજ સુધી હું તમામ પ્રકારના વ્યસનથી મુક્ત રહી શક્યો છું.

એક બીજી અને વિચિત્ર આદત પણ મને હતી. અમારા તે ઘરમાં જે એક માત્ર ઓરડો હતો તેમાં એક પલંગ અને એક તિજોરી મુખ્ય રાચરચીલું હતું. તેમની ગોઠવણ એવી રીતે કરેલ હતી કે દીવાલના એક ખૂણે તિજોરી અને પછી તેને અડોઅડ પલંગ અને પલંગને બીજે છેડે બીજી દિવાલ આવી જાય. એટલે જો તમે દરવાજામાંથી જુઓ તો તમને સામે પલંગ દેખાય અને અડધી તિજોરી દેખાય પણ તિજોરીની આગળ, પલંગ અને ભીંતની વચ્ચે જે અંગ્રેજી ના આડા પાડેલ ‘C’ આકારનો ભાગ પડે તે ન દેખાય. એ જગ્યા મારી પ્રિય જગ્યા હતી.

રમતા-રમતા કોઈને માર્યું હોય કે થપ્પો રમતા ક્યાંય છુપાવાનું હોય કે મમ્મી, પપ્પા કે બા મારી પર ગુસ્સે થયા હોય કે કોઈના મમ્મી-પપ્પા મને બોલ્યા હોય તો હું ત્યાં જ આવીને ઉભડક પગે બેસી જતો. અને શાહમૃગની જેમ એમ માની લેતો કે મને કોઈ જોતું નથી. પણ મારા ઘરના બધાને ખબર જ હોય કે હું ક્યાં હોઈશ એટલે તેઓ મને સરળતાથી શોધી કાઢતાં અને તેમ છતાં એ ઘર બદલીને અમે બીજે રહેવા ગયા ત્યાં સુધી તે જગ્યા મારી એકમાત્ર છુપાવાની જગ્યા હતી.

અત્યારે એમ લાગે છે કે હું પહેલેથી જ આવી કોઈ છુપાવાની જગ્યા શોધતો હોઈશ કે જ્યાં માત્ર હું જ હોઉં. (કદાચ તેને શાહમૃગવૃત્તિતો નહિ કહેતા હોયને?) વર્તમાન સમયમાં વાંચન અને લેખન એ કદાચ મારે માટે આ વાસ્તવિક જગતથી છુપાઈને પોતાની આગવી દુનિયામાં રાચવાનો પર્યાય બની રહ્યાં છે. શું પલાયનવાદ એ અપૂર્ણ બાળપણની જ ઊપજ હોય છે? અને શું માણસમાત્ર જીવનમાં કોઈ ને કોઈ રીતે આ વાસ્તવિક જગતથી પલાયન થઈને પોતાની આગવી દુનિયા રચવા ઈચ્છતો હોય છે?

મને મારી પ્રથમ શાળાની ઝાંખી-પાંખી સ્મૃતિ ખરી. અને આમ પણ શાળા જીવન કોઈથી ભૂલાય ખરું? હું ભણતો ત્યારે તે શાળાનું નામ હતું ડબલ્યું. એમ. આઈ. મિશનરી સ્કૂલ’. મને તે આખું નામ યાદ ન રહે માટે કોઈ પૂછે કે તું કઈ સ્કૂલ માં ભણે છે?’ તો હું જવાબ આપું , ‘ડબલું સ્કૂલમાં’. રોજ શાળા શરૂ થાય ત્યારે અમારે બધા એ મેદાન માં ઊભા રહીને પ્રાર્થના કરવી પડતી જેમાં હું મોટે ભાગે તો અમારા શિક્ષકોના ડરને કારણે આંખો બંધ જ રાખતો. પણ પ્રાર્થના ના અંતે તેઓ પરમપિતા ઈશુને એક પ્રાર્થના કરાવતા અને તેનું એક વાક્ય મારી આંખ ખોલી નાખતું, ‘હે પરમપિતા ઈશુ મને મારી રોજની રોટી મળજોઅને એ સાંભળીને મારું મન મારા નાસ્તાના ડબ્બામાં પહોંચી જતું અને ક્યારે વર્ગખંડમાં જઉ અને ક્યારે તે ખાઉ તેમ જ મને થતું રહેતું. અને આમ પણ પ્રાર્થના તો માણસની આંખો ઉઘાડવા માટે જ હોય છેને?

અમને બેસવા માટે તે વખતે પાટલીઓ નહોતી અપાતી. અમે લાંબા આસનપટ્ટા પર બેસતા અને આગળ રાખેલા લાંબા ઢાળીયા પર લખવા માટેની પાટી અને પેન રાખતા. દફતર અમારું સાવ હળવું ફૂલ રહેતુઃ પાટી, પેન, ખાલી શોખથી રાખેલો કંપાસ અને નાસ્તાનો ડબ્બો. એક વખત મને પેટમાં દુખતું અને મે એકાદ-બે વાર અમારી શિક્ષિકા પાસે શૌચાલય જવાની રજા માંગી પણ તેમને મામલાની ગંભીરતા સમજાઈ નહિ અને તેમણે મને રજા આપી નહિ. હવે તમે તો જાણો જ છો કે જીવનમાં કેટલીય વસ્તુઓ એવી હોય છે કે તમે ઈચ્છો તો પણ તેને રોકી ન શકો. શું કોઈ મોતને રોકી શક્યું છે? હું પણ રોકી ના શક્યો અને મે મારો લાંબો-જાડો આસનપટ્ટો બગાડ્યો. પછીથી અમારી શિક્ષિકાને જરૂર અફસોસ થયો હશે. મારી પર તેઓ ગુસ્સે થયા અને મને તે આસનપટ્ટા સાથે તુરત જ ઘરે મોકલવામાં આવ્યો. તે જોઈને મારા બા ખરેખર ગુસ્સે થયા હતાં અને અમારી શિક્ષિકાને ભાંડતા-ભાંડતા તેઓએ તે આસનપટ્ટો ધોઈ આપ્યો હતો. પણ ત્યારથી મને કોઈ દિવસ શૌચાલય જવા માટે ના પાડવામાં આવતી નહિ હોય, તેવું મારુ દ્રઢપણે માનવું છે.

બીજી વાત છે મારા પહેલા ધોરણની વાર્ષિક પરીક્ષાની. તેમાં કંઈક આવી રીતે સવાલ પૂછવામાં આવ્યા હતાઃ

નીચેની વસ્તુઓના સ્વાદ જણાવો.
() ગોળ
() લીંબુ
() દવા
 ડ  મરચું.

પહેલા ત્રણના જવાબ તો આવડ્યા પણ ચોથામાં ખબર ન પડી. તેમાં મુદ્રણદોષના કારણે કૌંસ વિના છપાયો હતો અને મને ખબર જ ના પડી કે આ ડ મરચુંએટલે શું? એટલે મે તો ઘરે આવીને કહ્યું કે આ ડમરચાવાળો સવાલ મને આવડ્યો નહિ અને બધા ખૂબ હસ્યા હતા! અને બધા હસતા હોય ત્યારે આપણે પણ હસવું જ પડેને? અને મારુ પરિણામ હતું ૫૪%.

૨૦૦૪ માં મારી સગાઈ અને લગ્ન નક્કી થયા પછી મને ખબર પડી કે મારા શ્રીમતીજી તે ડબલુ સ્કૂલમાં જ નોકરી કરી રહ્યા છે! જો કે મે પણ તેનો બદલો લીધો હતો. એમ. કોમ. પાર્ટ-૨ માટે તે જે ક્લાસીસમાં જતી હતી ત્યાં હું પણ ભણાવતો હતો. ઘણીવાર એવું બનતું કે એક વર્ગમાં તે ભણતી હોય અને બાજુના વર્ગમાં હું ભણાવતો હોઉં!

તે વર્ષે પણ હંમેશની જેમ વિરાટ નગરમાં ખૂબ જ વરસાદી પાણી ભરાયું હતું અને એક વખત જ્યારે હું શાળાએથી છૂટ્યો ત્યારે એટલું પાણી ભરાયું હતું કે મે ચાલવાનું શરૂ કર્યુ ત્યારે માત્ર મારું માથું જ પાણીની બહાર હતું અને એ પાણીથી ડરતો-ડરતો હું માંડ-માંડ ઘરે પહોંચ્યો હતો.

આ ઉપરાંત એક ભયાનક દુર્ઘટના મારા જીવનમાં એવી બની કે તેમાં મારો જીવ જતા માંડ-માંડ બચ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.