પ્રકરણ ૧. વાનર સાથે વાનરવેડા અને બિલાડી સાથે?
કદાચ એક બીજું કારણ પણ હોય અને તે મારી પુત્રી આર્ના. તેનું બાળપણ જોઈને મને મારું બાળપણ સાંભળે છે એ તો ખરૂ જ પરંતું તેના અને મારા ઉછેરના સમયગાળા વચ્ચે જે પાયાગત તફાવત છે તે પણ ઊડીને આંખે વળગે તેવો નથી? તેના હાથમાં તમે ગમે તેવો મોબાઈલ આપશો, તેની પૂર્વધારણા તો એવી જ છે કે બધા મોબાઈલ ‘ટચ સ્ક્રીન’ વાળા જ હોય અને માટે તે તેની સ્ક્રીન પર આંગળી અડાડશે. શું તેને ક્યારેય એવી કલ્પના આવશે કે એક સમય એવો પણ હતો કે બી.એસ.એન.એલ. માં લેન્ડ લાઈન ફોનની અરજી કર્યા બાદ જ્યારે પાંચ-સાત વર્ષે ઘરે ફોન આવે ત્યારે પેંડા વહેંચાતા અને પી.પી. નંબર વાપરવા માટે પાડોશીઓ તમારી સાથે સંબંધ કદી બગાડતા નહિ? આજે તો રોજે-રોજ તેના નખરાના ફોટા પડતા રહે છે અને તરત જ એ ચૌદ મહિનાની બાળકી તેને સ્ક્રીન પર જોવા માંગે છે. શું તેને કલ્પના આવશે કે પહેલા રોલ અને મેન્યુઅલ ફ્લેશવાળા કેમેરા આવતા અને પ્રસંગ પતે પછી રોલ ડેવલોપ કરાવીને બે-ત્રણ મહિને તે ફોટા જ્યારે હાથમાં આવતા ત્યારે તે આંખ સામે જે તે પ્રસંગની રોમાંચક યાદ બનીને રહેતા? ‘યુ ટ્યુબ’ પર તેને રોજ મનગમતા ગીતો અને કાર્ટૂન જોવા મળે છે. શું તેને એ કલ્પના આવશે કે જ્યારે કાર્ટૂન ચેનલનું કોઈએ નામ પણ નહોતું સાંભળ્યું ત્યારે દૂરદર્શન પર કવચિત પ્રસારિત થતી ‘એક તિતલી, અનેક તિતલીયા’ નામની નાનકડી કાર્ટૂન ફિલ્મ જોવા અમે તરસી જતા હતા? મને પહેલેથી જ એવા વડીલોથી ચીડ છે જે ‘અમારા વખતે તો....’થી વાત શરૂ કરીને વર્તમાન પેઢીથી પોતે કેટલા ચડીયાતા હતા તે દર્શાવવા માંગતા હોય છે. મને ખરેખર એમ લાગે છે કે તેઓ પરિવર્તનની સાથે તાલ મેળવવાનું ચૂકી ગયા અને જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તે તો આ નવા જમાનામાં હએ જૂનવાણી ગણાવા લાગ્યા છે ત્યારે તેમની લઘુતાગ્રંથીને આવી રીતે વ્યક્ત કરતા હશે. હું તેમાંનો એક બનવા નથી માંગતો તેની ખાતરી રાખજો. અને આવેલા પરિવર્તનનો કોઈ વિરોધ પણ હું નથી કરવા માંગતો. જેમ સુંદર ક્ષણોને આપણે તસવીરોમાં એક સુંદર યાદગીરીની જેમ સાચવીએ છીએ તેવી જ રીતે વીતી ગયેલ સમયને આવનારા સમય માટે એક સુંદર યાદ તરીકે સાચવવાની ઈચ્છા કદાચ મને આ બધું લખવા પ્રેરી રહી છે.
બધાના જીવનમાં હોય છે તેમ મારા જીવનમાં પણ ઘણી નકારાત્મક બાબતો બની જ છે પણ મે અહિ તેને બને ત્યાં સુધી ટાળવાનો પ્રયાસ કર્યો છે. એવી જ ઘટનાઓ પસંદ કરી છે કે જેણે મારા જીવન પર કોઈ લાંબા ગાળાની અસર મૂકી હોય અથવા આનંદદાયક હોય.
* * *
બાળપણમાં બની ગયેલ એક દુર્ઘટનાને કારણે મને મારૂ આખું બાળપણ તો યાદ નથી પરંતું મમ્મી-પપ્પા અને મારી બે’ન પાસેથી તેને લગતી ઘટનાઓ ઘણીવાર સાંભળી છે. ખાસ તો મારા ભાણિયા અને ભાણી માટે તે વાતો કોઈ ‘બેડ ટાઇમ સ્ટોરી’ જેવી આનંદજનક વાર્તા છે માટે તેને યાદ કરું છું.
આજની તારીખ માં પણ અમદાવાદમાં ભટકતા વાનરોની ટોળી એ કાંઈ નવાઈની વાત નથી. બધાએ એ તોફાની-મસ્તીખોર વાનરોને જોયા અને માણ્યા હશે. ટી.વી. ના એન્ટેના તોડવા, વાહનો પર કૂદકા મારીને તેને પાડી નાખવા કે કોઈના ધાબા પર સુકવણી માટે મૂકેલા પાપડ કે અથાણાની કાચી કેરીની ઉજાણી અને આવા તો કંઈ-કેટલાય અગણિત પરાક્રમો તમે નજરે જોયા જ હશે. પણ મારી એક વિશેષ યાદ તેની સાથે જોડાયેલી છે.
આમ તો હૉકી એ ભારતની રાષ્ટ્રિય રમત છે પણ ગુજરાતની ગલીઓ તો મે હંમેશા ક્રિકેટ રમતા કિશોરોથી જ ઉભરાતી જોઈ છે. અને હું પણ તેમાંથી બાકાત ક્યાં હતો? જો કે બે-ત્રણ વર્ષના બાળકને તો કોણ ક્રિકેટ રમાડે? પણ હું હંમેશા મોટા છોકરાઓ રમતા હોય ત્યાં જઈને ઉભો રહેતો અને તેમને જોયે રાખતો. બોલ જ્યારે દૂર સુધી જાય ત્યારે દોડીને તે હું લઈ આવતો. મને તેમાં કંઈક કર્યાનો કે રમતમાં પરોક્ષપણે ભાગ લેવાનો આનંદ થતો. અને એ છોકરાઓને પણ મારી હાજરી નડતી નહિ. ઊલટાનું, તેમને એક વધારાનો ‘ક્ષેત્રરક્ષક’ (ફિલ્ડર) મળી જતો. એટલે તેઓ મારા પર ખુશ રહેતા. તેમાંનો એક છોકરો મારા ઘરની સામેના ઘરે જ રહેતો અને તેનું નામ રણજિત હતું. મારા બાળપણમાંથી બીજા તો કોઈ પાત્રો મને યાદ નથી, પણ તે યાદ રહી ગયો કારણ કે આટલી ફિલ્ડીંગ ભર્યા પછી બધાના દાવના અંતે મને પણ બે-ચાર ‘રગડતા’ બોલ રમવા મળે તેનું તે ધ્યાન રાખતો. અને આટલી બધી મહેનત પછી મને રમવા મળતું તેનો મને પણ આનંદ આવતો.
એક દિવસ થયું એવું કે લગભગ બે કલાક જેટલી રમત ચાલી. બધા છોકરાઓએ એક પછી એક દાવ લીધા અને છેલ્લા દાવની આશા સાથે હું ફિલ્ડિંગ ભરતો રહ્યો. મારી પાસે બેટ તો હતું નહિ અને મોટા છોકરાઓની જોડે જે બેટ રહેતું તે તો કદાચ મારી ઊંચાઈ જેટલું હતું માટે હું અમારા ઘરનો કપડા ધોવાનો ધોકો વાપરતો. જેવો બધાનો દાવ પત્યો કે રણજિતે મને ઈશારો કર્યો અને હું ધોકો લેવા મારા ઘર તરફ દોડ્યો. જ્યારે ધોકો લઈને હું મેદાને પહોંચ્યો ત્યારે ત્યાં કોઈ હતું જ નહિ. સામાન્યતઃ તેઓ ત્યાં જ બેસતા અને રણજિત મને થોડુંક રમાડી લેતો. પણ તે દિવસે તો રણજિત પણ ગાયબ. હું ખૂબ નિરાશ થઈ ગયો. મને તે બધા જ થોડેક દૂર દેખાયા માટે હું તે બાજુ ગયો. તેઓ કોઈ ઘરના છાપરે ચડેલા એક વાંદરાની પાછળ-પાછળ ત્યાં પહોચી ગયેલા. એ વાંદરો મને મારા દુશ્મન જેવો લાગ્યો! તેને કારણે મને ક્રિકેટ રમવા નહોતું મળવાનું. અને બધા છોકરાઓ પાછા પોત-પોતાના ઘરેથી કાંઈક વધેલું-ઘટેલું ખાવાનું લઈ આવતા અને તેને ધરતા. તે વાંદરો ફટાફટ નીચે આવતો, છોકરાઓના હાથમાંથી વસ્તુ લઈને ફટાક કરતો પાછો ઘરના ધાબે ચડી ને ખાવા લાગતો.
મારી બાજુમાં ઉભા રહેલા છોકરાએ જ્યારે તેને કંઈક ખાવાનું બતાવ્યું ત્યારે તે એકદમ અમારી પાસે નીચેની તરફ ધસી આવ્યો અને મારી સામે જ ‘ફેસ-ટુ-ફેસ’ આવી ગયો. મારા હાથમાં પેલો ધોકો હતો. જેમ બેટ્સમેન ચોક્કો મારવા બેટ વિંઝે તેમ મે એ ધોકો વિંઝ્યો અને માર્યો એ કપિના મોઢા પર. કદાચ એક ક્ષણ માટે તે વાનર ચોંકી ઉઠ્યો હશે પણ એ વન્યજીવમાં ‘સર્વાઇવલ’ની ભાવના અને સ્વબચાવની કળા તો હોય જ ને? અને આ તો વાનરની નકલખોર જાત. બીજી ક્ષણે તેણે પણ મારી જ રીતે તેનો હાથ ઘુમાવ્યો અને મને જાણે કે લાફો માર્યો. બરાબર એ જ વખતે મારી બાજુમાં ઊભેલા છોકરાએ મને તે હુમલાથી બચાવવા ખેંચ્યો. એટલે મને વાનરનો ‘લાફો’ પૂરો તો વાગ્યો નહિ પણ તેનો એક નખ મારા હોઠની નીચે લાંબો ચીરો કરતો ગયો. બધા જ મારી તરફ દોડ્યા માટે વાનર ગભરાઈને ધાબા પર નાસી ગયો અને મારા હોઠ નીચેથી લોહીની ધારા વહેવા લાગી. પછીતો મને દવાખાને લઈ જવામાં આવ્યો અને ટિંક્ચર લગાડવામાં આવ્યું અને ડ્રેસિંગ થયું અને બૂમાબૂમ અને પપ્પાનો ગુસ્સા અને ચિંતા મિશ્રિત ચહેરો! આ બધા પછી મને ‘વાનર સાથે વાનરવેડા કરનાર’નું ઉપનામ મળ્યું!
ગુસ્સો અને ભય એ બે એવી લાગણીઓ છે કે જેના વિના કોઈનું બાળપણ વીત્યું નહિ હોય પણ દરેક બાળકની એ બંને લાગણીઓ અભિવ્યક્ત કરવાની પદ્ધતિ અલગ-અલગ હશે. મારી પદ્ધતિ હતી ગુસ્સો વહેવા દેવો અને ડર દૂર કરવો. માટે વાનર પરનો ગુસ્સો મે મનમાં ભરી ન નાખતા વહાવી દીધો હતો.
બીજી વાત છે ભયની લાગણીની. બધા જ બાળકોને નાનપણથી બાવાનો કે બિલાડીનો કે એવા ઘણા કાલ્પનિક ભય બતાવવામાં આવતા હોય છે. મને પણ બાવાની અને બિલાડી બીક બતાવવામાં આવતી. મને રાત્રે સૂવાડવો હોય કે ઘરની બહાર જતો અટકાવવો હોય ત્યારે બાવાની બીક બતાવવામાં આવતી અને રસોડામાં જઈને કંઈ ઢોળ-ફોડ ન કરું તે માટે રસોડામાં ‘રહેતી’ બિલાડીની બીક બતાવવામાં આવતી.
ઘરનો પુરુષવર્ગ જ્યારે બહાર રહેતો હોય અને સ્ત્રીવર્ગ મોટા ભાગે રસોડામાં રહેતો હોય ત્યારે દરેક બાળક માટે રસોડામાં જવું કે તેનું આકર્ષણ રહેવું કેટલું સ્વાભાવિક છે! મમ્મી તો મારી ભાવનગર નોકરી કરતી અને જ્યારે સપ્તાહાંતે ઘરે આવતી ત્યારે અમારા માટે આખું અઠવાડિયું ચાલે તેટલો નાસ્તો બનાવવા તેનો ઘણો સમય રસોડામાં વિતાવતી. સપ્તાહ દરમિયાન મારા બા પણ મને ત્યાં જ જોવા મળતા. અને કંઈ પણ ખાવા-પીવાનું તો બીજે ક્યાંથી મળે? માટે મને પણ રસોડામાં જવાનું ગમતું પણ મને ત્યાં એક ‘ઘોઘર બિલાડી’ રહે છે તેમ કહેવામાં આવતું અને હું ત્યાં એકલો જતા હંમેશા ડરતો.
એક દિવસ રાત્રે બધા ઘરની બહાર ઓટલા પર બેઠા હતા અને હું કોઈ કારણસર રસોડામાં જવા ઉત્સુક હતો. મને એક-બે વાર તો બિલ્લીની બીક બતાવવામાં આવી. પણ ખરેખર કોઈ મોટી લાલચ હશે તેથી હું આ બધી વાતો અવગણીને રસોડામાં ગયો. અંદર જઈને જોયું તો ગેસ પર ગરમ કરેલા દૂધની તપેલી પડી હતી અને એ દૂધ ઠંડુ થાય તેની રાહ જોતા એક બિલ્લીબેન ખરેખર ત્યાં સદેહે હાજર હતાં. એક ક્ષણ તો મને વડીલોની વાત નહિ માનવાનો અફસોસ થયો હશે અને કદાચ હું ડર્યો પણ હોઈશ પણ મને તો અત્યારે એટલું જ યાદ આવે છે કે આ ઉપરાંત પણ મને એક વિચાર આવ્યો હતો અને એ હતોઃ આ જ એ બિલ્લી છે જેને કારણે મારાથી રસોડામાં નથી જવાતું. મને શું સૂઝ્યું તે તો ખબર નથી પણ હું તે બિલાડી તરફ ધસી ગયો અને તેને મે પૂંછડીથી પકડી. બાળકોને તમે પતંગની દોરીના છેડે નાનકડો પથ્થર બાંધીને લંગસ બનાવીને પોતાના માથાની ઊપરથી તેને ગોળ-ગોળ ફેરવતાં તો જોયા જ હશે. બસ એવી જ રીતે એ બિલ્લીને મે પૂંછડીથી પકડીને મારા માથા ઊપરથી ગોળ-ગોળ ફેરવવા માંડી અને એમ કરતો-કરતો જ હું રસોડામાંથી દોડતો-દોડતો બહાર આવ્યો અને ઓટલા પરથી નીચે ઉતરીને સામેના ખુલ્લા મેદાન કે ઉકરડામાં તેને ફેંકી.
હું પાછો આવ્યો ત્યારે બધા હસતા હતાં અને પછી મને બિલાડીની બીક બતાવવાનું બંધ કરવામાં આવ્યું હતું. આ ઘટનાને અત્યારે યાદ કરતા મને ‘પ્રાણીઓ પ્રત્યેની ક્રૂરતા’ વિષે હું જે ભણ્યો અને ભણાવ્યું તે યાદ આવે છે. પણ તે સમયે તે બિલ્લીબહેન મારા માટે પ્રાણી નહિ, મારા ડરનું સાક્ષાત સ્વરૂપ હતું અને મે બિલ્લી નહિ પણ મારા ડરને ફેંક્યો હતો. અત્યારે હું કશાથી ડરતો નથી એવું કહું, તો તે આત્મશ્લાઘા ગણાય પણ મને વાહિયાત વાતોથી ડર નથી લાગતો. મને ચાલુ બસ કે ટ્રેનની સામે ઉભું રહેવામાં જરૂરથી ડર લાગે છે. પણ મને ભૂવા, કામણ-ટૂમણ કે શનિવારે વાળ કપાવવા કે રાત્રે નખ કાપવા કે માસિક ધર્મ વાળી સ્ત્રીને રસોઈ ઘરમાં જવા દેવામાં કોઈ જ ડર નથી લાગતો. ખરેખર મને તો એમ જ લાગે છે કે આ અથવા આવી અન્ય ઘટનાઓએ જ મને શીખવ્યું કે તમને ડરાવવામાં આવે તો તેની પાછળ જરૂર કોઈ તાર્કિક કારણ હશે અને જો તે કારણને દૂર કરવામાં આવે તો ડરવા કે ડરાવવાની કોઈ જરૂર રહેતી નથી.
આ ઉપરાંત ગાય, કૂતરા, ભૂંડ, આખલા, ઘોડા કે ગધેડા જેવા પ્રાણીઓ સાથે ઘણીવાર પ્રત્યક્ષ કે પરોક્ષ પરિચય થયો છે. તેથી મને એક વસવસો જરૂર રહે છેઃ મારી પુત્રી આર્નાનું બાળપણ શું આ પશુઓના પરિચય વિના જ વીતશે? અહિ લંડનમાં તો તમને કોઈ પ્રાણી રસ્તા પર જોવા જ ન મળે. તેઓ દેખાય માત્ર પ્રાણી સંગ્રહાલયમાં કે પછી ટી.વી. પર.
ધોરણ દસમાં અમારો બીજો પાઠ હતો ‘કાશીમાની કૂતરી’ તેનું એક વાક્ય મને યાદ છેઃ ‘વાળ વિનાનું માથુ ને કૂતરા-બિલાડા વિનાનું ઘર બંને બોડા લાગે’. હું ખરા દિલથી પ્રાર્થું કે મારી આર્નાનું બાળપણ બોડું ન જાય!
are wah..
જવાબ આપોકાઢી નાખોkhub saras...................chirag bhai........................
જવાબ આપોકાઢી નાખોAwesome
જવાબ આપોકાઢી નાખોઆભાર સેજલ.
કાઢી નાખો