તાજેતરની પોસ્ટસ

જાન્યુઆરી 09, 2011

ઉદ્દીપક - ચિરાગ ઠક્કર 'જય' (નવલિકા)

Marble Arch
          માર્બલ આર્કની રચના મૂળે તો બકિંગમ પેલેસના મુખ્ય પ્રવેશદ્વાર તરીકે કરવામાં આવી હતી, પણ પછીથી એ નિર્ણય બદલાયો હતો. અત્યારે તો, જ્યાં હાઈડ પાર્કનો એક ખૂણો અને ઓક્સફર્ડ સ્ટ્રીટનો એક છેડો જ્યાં ભેગા થાય છે ત્યાં સ્થિત, આ ચહલ-પહલ થી ભરપૂર અને પ્રવાસીઓના આકર્ષણ સમા વિસ્તારમાં માર્બલ આર્ક અને તેની પાછળ આવેલો ખુલ્લો વિસ્તાર એક વિસામાની ગરજ સારે છે. પ્રશાસને પણ તેને અનુલક્ષીને બેસવા માટે આરામદાયક બાંકડા ગોઠવેલા છે, જે મને અત્યંત પ્રિય છે.

          મૂળે તો આરસમાંથી કંડારેલા આ વિશાળ પ્રેવેશદ્વારને આપણા ‘ગેટ વે ઓફ ઈન્ડિયા’ સાથે સરખાવો તો કશું ખોટું નથી. પણ અહિં જેવી શાંતિ તમને ત્યાં નહિ મળે. એક ખૂણે ત્રણ ફૂવારા મઢેલ નાનકડી હોજ છે. ત્રણ બાજુ સુંદર, રંગ-બેરંગી ફૂલો ઊગાડેલા, નાનકડા ઢળતા ટેકરા છે કે જે એક રીતે આ ખુલ્લા વિસ્તારની આસપાસ કોટની ગરજ સારે છે અને મધ્યમાં છે એક કલાત્મક શિલ્પ. તેને પહેલી નજરે જોતા તો ખ્યાલ પણ ન આવે કે તે શાનું શિલ્પ છે. મારાથી પણ તે પરખાયું નહોતું.


Head of Horse At Marble Arch
           જોકે શિલ્પ જોવા તો હું ત્યાં ગયો પણ નહોતો. હું હંમેશા ઘરેથી વહેલો નીકળીને અહિં એકાદ કલાક બેસું છું. આમ પણ ઘરે છે કોણ? અહિં ‘પ્લીઝ ડુ નોટ ફીડ ધ પીજન્સ’ના પાટિયા નીચે બેસીને કબૂતરોને બ્રેડ કે બટાકાની વેફર કે કવચિત દાણા ખવડાવતા વિવિધરંગી લોકોને જોઈને મને પ્રથમ વાર તો આશ્ચર્ય થયું હતું. ચણતા કબૂતરો અને તેની પાછળ દોડતા બાળકો અહિંનું સૌથી મનમોહક દ્રશ્ય છે અને જો એ દ્રશ્યથી થોડી ઉપર નજર ફેરવો તો તમને તે આસમાની રંગનું શિલ્પ દેખાય. ધારી-ધારીને જુવો ત્યારે ખબર પડે કે આ તો ચરી રહેલ ઘોડાનું વિશાળ કદનું ડોકું છે.

          એ શિલ્પની ઓતરાદી બાજુએ વૃક્ષોની નીચે જે બાંકડા ગોઠવેલા છે, ત્યાં બેસીને હું કબૂતરો અને બાળકો અને વિવિધરંગી પ્રવાસીઓને જોયા કરું છું અને ભૂતકાળને વાગોળતો રહું છું. મારી ઉંમરના વિધુરને ઘરે કામ પણ શું હોય? ઘર શાનું, એ તો હવે માત્ર મકાન જ હતું.

          એક સમય હતો જ્યારે કામનાની હાજરીથી તે મકાન પણ ઘર લાગતું હતું. અમે એક જ થાળીમાં જમતા હતાં અને એક જ ઓશીકા પર સૂઈને સરખા સપના જોતા હતાં. અમારા સપના પણ કંઈ બહુ મોટા નહોતા. મધ્યમ વર્ગના માનવને વૈભવી સપના પણ ક્યાંથી પરવડે? અમે બંને તો માત્ર બે જ વસ્તુ ઈચ્છતા હતાઃ એક નાનકડું ઘર અને એ ઘરને ઘૂઘવતું એક બાળક. લગ્નજીવનના ત્રીજા વર્ષે અમે એ બેય સપનાઓ સાકાર કરવાનો નિર્ણય લીધો હતો. વ્હાઈટ ચેપલ વિસ્તારમાં એક સુંદર નાના ફ્લેટને જોઈને તેના માટે જોઈન્ટ લોનની વિધિ શરૂ કરી નાખી હતી અને કામુના ગર્ભમાં અમારું બાળક ચાર માસથી વિકસી રહ્યું હતું. પણ બધા સપના સાકાર થવા માટે થોડા હોય છે?

          તે સાંજે કામું નોકરી કરીને ઘરે પાછી ફરતી હતી ત્યારે મે જ તેને ફોન કરીને યાદ અપાવ્યું હતું.

          ‘કામુ...તબિયત કેમ છે?’ તેની ગર્ભાવસ્થાની જાણ થઈ ત્યારથી હું તેને દિવસમાં દસ વાર આજ સવાલ પૂછતો હતો.

          ‘તબિયત તો સારી જ છે પણ બપોરે બે વખત વોમિટ જેવું થતું હતું.’ તે મને હંમેશા નિખાલસતાથી રજે-રજ વાત કરતી હતી.

          ‘ચિંતા ન કરીશ કામું. આવું તો બધાને થાય!’ મે તેને આશ્વસ્ત કરી હતી, ‘અત્યારે તારા અકાઉન્ટમાંથી સાડા ચારસો પાઉન્ડ ઉપાડતી આવીશ? આ મહિનાનું ઘરનું રેન્ટ આપવું પડશેને?’ આ અમારી ગોઠવણ હતી. ઘરનું રેન્ટ અને ખર્ચા તેના પગાર માંથી નીકળતા અને અમારા ફ્લેટ માટેની બચત મારા પગારમાંથી.

          ‘ઓ.કે. ડાર્લિંગ! લવ યુ!’ તેણે કહ્યું હતું.

          ‘લવ યુ ટુ હની...’ મે ભવિષ્યના સપના જોતા કહ્યું હતું, ‘થોડા મહિના પછી તો લવ યુ થ્રી કહેવું પડશે.’ તે હસી હતી. તેનું હાસ્ય આશા સભર હતું અને તે અમારી વચ્ચેની અંતિમ વાતચીત હતી.

          પોણો કલાક બાદ જ્યારે મારી પર પોલીસનો ફોન આવ્યો ત્યારે મને માત્ર એટલું જ જણાવવામાં આવ્યું કે ઈમર્જન્સી છે અને તેમણે મારી પાસેથી અમારું સરનામું લીધું હતું. હું શું બન્યું હશે તેની કલ્પના કરું તે પહેલ તો સાયરન સાથે એક પોલીસની કાર આવી હતી અને મને વ્યાવસાયિક રુક્ષતાથી જણાવવામાં આવ્યું હતું, ‘આઈ એમ સોરી ટુ ઈન્ફોર્મ યુ સર, બટ યોર વાઈફ ઈઝ નો મોર.’ તેમના માટે કદાચ આ તેમની નોકરીનો એક ભાગ હશે પણ મારા માટે તો જીવનનો ભાગ હતોને? આઘાતથી જાણે કે મગજમાં એક સુનકાર વ્યાપી ગયો હતો અને તર્કે સાથ છોડી દીધો હતો. ધીમે-ધીમે મનમાં અનેક પ્રશ્નો ઊગ્યા પરંતું તેને પૂછવા માટે શબ્દો હોઠ પર આકાર લઈ નહોતા શકતા. કોન્સટેબલે તેની સર્વિસ-કેપ ઉતારીને વાત શરૂ રાખી હતી. તેના શબ્દો મારા કાનમાં ઝીલાતા હતાં પરંતું તેનો અર્થ મને નહોતો સમજાતો.

          ધીમે-ધીમે કોન્સટેબલે શું બન્યું હતું તેની મને સમજણ પાડી હતી. મારી સાથે વાત થયા બાદ કામુએ એ.ટી.એમ. મશીનમાંથી પાઉન્ડ ઊપાડ્યા હતા અને તે બસ-સ્ટોપ તરફ જઈ રહી હતી ત્યારે કેટલાકે યુવાનોએ તેની પર હુમલો કર્યો હતો. તેમનો આશય કામુ જોડેથી પૈસા અને મોબાઈલ અને અન્ય તમામ વસ્તુઓ પડાવી લેવાનો હતો, કદાચ તેમણે કામુને પાઉન્ડ ઊપાડતા જોઈ પણ હોય. તેમણે કામુ પર પાછળથી અણધાર્યો હુમલો કર્યો હતો અને કામુ પેટભેર પછડાઈ હતી. તપાસ દરમિયાન મને આ ઘટનાનું સી.સી.ટી.વી. ફૂટેજ પણ બતાવવામાં આવ્યું હતું. કામુને ત્રણ શ્યામવર્ણા જુવાનિયાઓએ ઘેરી લીધી હતી. તેનું પર્સ, મોબાઈલ અને ગળામાંની સોનાની ચે’ન તો તેમણે લઈ જ લીધી હતી છતાં તે શયતાનોને જાણે કે સંતોષ નહોતો થયો અને તેમણે બેરહમીથી કામુને લાતો મારી હતી. આવા શ્યામવર્ણાઓના અપકૃત્યો તો અહિં રોજની ઘટના છે.

          પોસ્ટ-મોર્ટમમાં જાણવા મળ્યું હતું કે પેટ પરના પ્રહારોને કારણે કે પેટભર પછડાવાને કારણે બાળક ગર્ભમાં જ મૃત્યું પામ્યું હતું. કામુના મૃત્યુનું કારણ હાર્ટ-અટેક. તે બિચારી અમારા બાળકને થતી ઈજા જોઈને જ હ્રદયાઘાત પામી હતી. એ સ્ત્રીના દુઃખની તમને કલ્પના આવે છે? એ સ્વપ્નસભર યુવતીએ પોતાના બાળકને ગુમાવ્યાના આઘાતથી પ્રાણ ત્યજ્યાં હતાં. ‘કેમ કામુ? તારે પ્રાણ ત્યજવાની શી જરૂર હતી? તારા દુઃખમાં ભાગ પડાવવા હું નહોતો? શું એ દુઃખ આપણું સહિયારું નહોતું? તારા વિના મારું શું થશે તેવો તને વિચાર ન આવ્યો?’ આવ કેટલાય અનુત્તર રહેલા પ્રશ્નો મારા મનમાં જાગ્યા હતાં. ઘણી વાર એમ પણ થતું કે તેના હાથમાં હોત તો તેણે પ્રાણ ત્યજ્યાં જ ન હોતને? તેનું આયુષ્ય જ ઓછું હશેને? સર્જનહારની મરજી સામે આપણું શું ચાલ્યું છે?

          ઘણી વાર એ સર્જક સામે પણ સવાલ થતો. મને થતું કે શું સર્જકને પોતાના સર્જનો વ્હાલાં નહિ હોય? અને જો હોય, તો તેના સર્જનનો નાશ કરનારા આવા વિનાશક તત્વો તેણે કેમ સર્જ્યાં હશે? શું કોઈના પ્રાણ હરનારા આવા લોકોને જીવવાનો કોઈ અધિકાર ખરો?

          અહિંની પોલીસની નિષ્ફળતા સામે પણ મે ઘણી ફરિયાદો કરી હતી. દરેક વખતે મને આદરપૂર્વક એક જ જવાબ મળતો હતો કે તપાસ ચાલું છે પણ તેમની તપાસનું કોઈ પરિણામ આવ્યું નહિ. ફર્ક પડ્યો તો માત્ર એટલો જ કે હું કોઈ પણ શ્યામવર્ણ માણસને જોવું તો મને તેમાં કામુના હત્યારા જ દેખાતા. મારા રોમ-રોમમાં ધૃણા વ્યાપી જતી અને કેટલાય હિંસક વિચારો આવી જતા અને ધિક્કારની ભાવના પ્રસરી જતી.

          આ બધાને કારણે મે ભારત રહેલ મારા માતા-પિતા અને કુટુંબીજનો સાથે પણ વાત કરવી બંધ કરી દીધી હતી. ક્યારેક પરાણે વાત કરવી પડે તો પણ હું તેમની સાથે વ્યવસ્થિત વાર કરી શકતો નહિ. મારા પિતાજી બોલે ઓછું પણે તેઓ મારી મનઃસ્થિતિ સમજી શકતા હતાં. કામુ માટે તેમને પણ લાગણી હતી. અરે! તેમણે જ તો કામુને શોધીને મારા જીવનમાં ગોઠવી નહોતી? મને આશ્વાસન આપવા જ તેઓ અત્યારે લંડન આવેલા છે અને મમ્મી-પપ્પા મળીને ફરી એકવાર મારા મકાનને ઘર બનાવવાનો પ્રયત્ન કરી રહ્યાં છે. પપ્પા સાથે વાતો કરવાથી મને મારા ઘણા પ્રશ્નોના ઉત્તર મળ્યા છે. છતાં તેઓ મારા મનમાંથી શ્યામવર્ણા લોકો પ્રત્યેની ધૃણાને ઘટાડી શક્યા નહિ. કોઈ મને રંગભેદી ગણે તેનો મને વાંધો નથી કારણ કે કોઈ મને મારી કામુ કે મારા બાળકને પાછું લાવવાનો ઉપાય બતાવી શકે તેમ નથી.

          બસ, આવા જ વિચારો કરતો હું અહિં માર્બલ-આર્ક બેસી રહું છું તથા કબૂતરો, બાળકો અને વિવિધરંગી લોકોને જોતો રહું છું. જો કોઈ શ્યામવર્ણ પુરુષ દેખાય તો દિલ ધૃણાથી ભરાઈ આવે છે અને મને તે જ વ્યક્તિમાં મારી કામુના હત્યારા દેખાયા કરે છે. મારે પ્રયત્નપૂર્વક ત્યાંથી નજર બીજે વાળવી પડે છે.

          એ દિવસ પણ આ દિવસોમાંનો જ એક દિવસ હતો. મમ્મી-પપ્પાને આવજો કહીને હું નોકરી માટે નીકળી પડ્યો હતો અને સમય કરતા વહેલો પહોંચતા માર્બલ-આર્કના એક બાંકડા પર બેઠો હતો. મારા મનમાં આ બધા વિચારો જ ચાલતા હતા અને ત્યાં મે તે વ્યક્તિને જોયો હતો- શ્યામવર્ણા વ્યક્તિને. તેની ઉંમર પિસ્તાલીસ થી પચાસની વચ્ચે લાગતી હતી. છ ફૂટ ઊંચા એ કદાવર વ્યક્તિને જોઈને જ મારા મનમાં નકારાત્મક વિચારો આવવા લાગ્યા હતાં. મારી બાજુના બાંકડા પર બેઠેલા એક યુગલ સાથે તેણે કંઈક વાતચીત કરી હતી. મારું અનુમાન હતું કે તે કંઈક માંગી રહ્યો હતો. ‘આવા લોકો અહિં પાઉન્ડ- બે પાઉન્ડ માંગતા ફરે તેમાં નવાઈ થોડી હોય? અજવાળે માંગે અને અંધારે લૂંટે ફ...?’ એવું વિચારતા મે મારી નજર ત્યાંથી ફેરવી લીધી.

          ‘એક્સક્યુઝ મી જેન્ટલમૅન’ મને કોઈએ માનપૂર્વક સંબોધ્યો એટલે મે નજર ફેરવીને તે તરફ જોયું. એ જ હતો. ‘શું તમારી પાસે મોબાઈલ છે?’ તેણે મને ભાંગી-તૂટી અંગ્રેજીમાં પૂછ્યું.

          ‘કેમ તારે ચોરી કરીને ભાગવું છે હત્યારા?’ મે વિચાર્યું અને મારા ઓવરકોટના ઊપરના ખિસ્સામાં જ મોબાઈલ હોવા છતાં મે ધૃણાથી નકારમાં માથુ ધુણાવ્યું. મારે તેની સાથે કોઈ વાત નહોતી કરવી.

          ‘જોકે મોબાઈલ તો મારી પાસે છે’ ખિસ્સામાંથી તેણે મોબાઈલ કાઢતાં મને કહ્યું, ‘પણ તેમાં અંગ્રેજીમાં શું સૂચના આવે છે તે મને ખબર નથી પડતી.’ તેમ કહીને તેણે કોઈ પણ ખચકાટ વિના મારા મોબાઈલ કરતાં પણ મોંઘો એવો તેનો મોબાઈલ મારા હાથમાં મૂકી દીધો. તેનું ભાંગ્યું-તૂટ્યું નાઈજીરીયન અંગ્રેજી સમજવામાં મને આમ પણ તકલીફ થઈ હતી અને મારે આવી કોઈ લપમાં નહોતું પડવું.

          ‘સો વોટ?’ મે થોડી ઓછી ધૃણાથી તેને કહ્યું. તે માનપૂર્વક વાત કરતો હતો માટે મારાથી તેનું અપમાન ન થઈ શક્યું.

          ‘તમે માત્ર એ સૂચના સાંભળીને મને કહી શકશો કે તેઓ શું કહી રહ્યાં છે?’ તેણે ઘણી જ સરળતાથી વિનંતી કરી. ન છૂટકે મે મોબાઈલ હાથમાં લઈને નંબર લગાવ્યો અને મોબાઈલ કંપનીની સૂચના સાંભળી.

          ‘તેઓ કહે છે કે તમારા મોબાઈલમાં બેલેન્સ નથી અને તમારે ટોપ-અપ કરાવવું પડશે.’ આ વખતે મે અવાજમાં ધૃણા નહોતી ભેળવી પણ ચીડ તો જરૂર હતી. મને ખાતરી હતી કે હવે તે પોતાની દુઃખદ કહાની સંભળાવીને ટોપ-અપ કરાવવા પૈસા માંગશે. ‘ભિખારીઓ!’ મારા મનમાં તે હત્યારામાંથી ભિખારીના પદ પર પહોંચ્યો હતો.

          ‘હું તો ગયા અઠવાડિયે જ મારા ગ્રાન્ડ-ચાઈલ્ડને મળવા નાઈજીરીયાથી પહેલીવાર અહિં આવ્યો છું’ તેણે કહ્યું અને મને મારું અનુમાન સાચું પડતું લાગ્યું. ‘અને આજે પહેલી વાર હું મારા સન જોડે ફરવા નીકળ્યો અને અમે વિખૂટા પડી ગયા.’

          ‘એટલે ઘરે પહોંચવા માટે ભાડાના પૈસા માંગીશ, એમને?’ મે બીજું અનુમાન કર્યું.

          ‘અને આ મોબાઈલમાં બેલેન્સ પણ નથી.’ એમ કહીને તેણે પોતાનું ખિસ્સું ફંફોસ્યું. હવે તો મને ખાત્રી થઈ જ ગઈ કે પોતાના ખાલી ખિસ્સા બતાવીને તે કોઈ પણ બહાને પૈસા માંગશે. આથી ત્યાંથી જવા માટે હું બાંકડા પરથી ઉભો થયો. ‘સોરી...મારી પાસે પણ કેશ નથી.’ તેમ કહીને હું જવા લાગ્યો. મનમાં હું વિચારતો હતો, ‘તારા જેવા ઘણા આવી ગયા હો કે?’

          ત્યારે તેણે તેના હાથને મારા ખભા પર મૂકી મને અટકાવ્યો અને બોલ્યો, ‘માય સન! પૈસા તો મારી પાસે પૂરતા છે.’ એમ કહીને તેણે પચાસ પાઉન્ડની નોટ ખિસ્સામાંથી કાઢી અને મને બતાવી. ‘શું તમે મને એટલું બતાવી શકો કે હું ક્યાં અને કેવી રીતે ટોપ-અપ કરાવી શકું?’ મારા મનમાં એક ઈચ્છા થઈ આવી કે હું તેની મદદ કરું પણ હજી મારો મહદ અહમ્ અને ધૃણા પ્રભાવક હતા અને હું કંઈ નિર્ણય કરીને બોલું તે પહેલા તે બોલ્યો, ‘વાંધો નહિ. તમારે મોડું થાય છે તો જાવ. મને તો બીજું કોઈ મળી રહેશે.’ અને હું ચાલી નીકળ્યો.

          માર્બલ-આર્કથી મારી નોકરીના સ્થળે પહોંચવા માટે મારે પાંચેક મિનિટ ચાલવું પડે છે. ચાલતા-ચાલતા મારા મનમાં વિચારોનું વાવાઝોડું ફૂંકાવા લાગ્યું.

          ‘શું મે આજે યોગ્ય વર્તન કર્યું હતું? શું મારા પર પૂર્વગ્રહનું પડ ચડી ગયું છે? કદાચ એ વૃદ્ધની જેમ મારા પપ્પા આવી રીતે ફસાયા હોત તો? શું મારા સંસ્કારોએ મને આટલું જ શીખવ્યું છે? શું મારે તરત જ પાછા જઈને તે વૃદ્ધની મદદ કરવી જોઈએ? મારા મોબાઈલથી મારે તેને તેના પુત્ર જોડે વાત કરાવવી જોઈએ? પણ મે તો કહ્યું છે કે મારી પાસે મોબાઈલ નથી. તો શું કરવું?’ જેટલી ગતિથી વિચારો ચાલતા હતાં તેટલી ગતિથી મારા પગ નહોતા ચાલતા. તેની પર જાણે સજ્જનતા ચૂક્યાનો ભાર આવી પડ્યો હતો.

          છેવટે મે નિર્ણય લઈને મારા કદમોને માર્બલ-આર્ક તરફ પાછા વાળ્યા. હું ત્યાં પહોંચ્યો ત્યારે મે જોયું તો તે વૃદ્ધ કોઈ બીજી વ્યક્તિને તેના ભાંગ્યા-તૂટ્યા અંગ્રેજીમાં એજ વાત સમજાવી રહ્યો હતો જે તેણે મને સમજાવી હતી. તેની પાસે જઈને મે નમ્રતાપૂર્વક કહ્યું,

          ‘એક્સક્યુઝ મી સર.’ તેઓએ પાછા ફરીને મારી સામે જોયું અને તેમના ચહેરા પર આશ્ચર્યના ભાવ હતા. ‘યસ માય સન!’ તેમણે પૂછ્યું.

          ‘મને મારો એક મિત્ર મળ્યો અને હું તેનો મોબાઈલ લઈને આવ્યો છું. તમે તમારા પુત્ર સાથે વાત કરી લો.’ એમ કહીને મે મારો મોબાઈલ તેમના હાથમાં મૂક્યો. તેમના ચહેરા પર રાહતનું સ્મિત આવ્યું.

          તેમણે ખિસ્સામાંથી એક વિઝિટિંગ કાર્ડ કાઢીને મારા હાથમાં મૂક્યું. તેમાં એક સંસ્થાનું નામ હતું અને તેની નીચે જ એક લેન્ડલાઈન અને એક મોબાઈલ નંબર છાપેલા હતા. મે મોબાઈલ નંબર ડાયલ કરીને મારો મોબાઈલ વિશ્વાસપૂર્વક તે વૃદ્ધના હાથમાં આપ્યો. તેમણે કોઈની જોડે વાત કરી અને પોતે ક્યાં છે તે જણાવીને માત્ર ત્રીસેક સેકન્ડમાં મને મારો મોબાઈલ પરત કર્યો.

          ‘મારો સન મને હમણાં જ મળશે. તમારો આભાર માનવાના મારી પાસે શબ્દો નથી.’ કહી તેમણે એક હૂંફાળું સ્મિત આપ્યું.

          ‘તો હું રજા લઉં?’ મારા મન પરનો ભાર ઉતરી જતાં મે હળાવાશથી પૂછ્યું.

          ‘કેમ નહિ માય સન?’ તેમણે મને એક અર્થસભર સ્મિત આપ્યું, ‘ખરાબ ન લાગે તો એક વાત કહું?’

          ‘હા...’

          ‘દરેક જાતિની જેમ મારી જાતિમાં પણ થોડાક ખરાબ તત્વો છે. ગામ હોય ત્યાં ઉકરડો તો હોય જ ને?’ તેમણે મારી નજરમાં તેમની નજર મેળવીને કહ્યું, ‘પણ તેનો મતલબ એ નથી કે અમે બધા શ્યામવર્ણા લોકો ખરાબ જ હોઈશું?’

          મે મારી નજર શરમથી ઝૂકાવી દીધી. જ્યારે નજર ઊંચી કરીને જોયું ત્યારે ત્યાં કોઈ હતું નહિ. મારા હાથમાં રહેલા પેલા વિઝિટિંગ કાર્ડને હું વાંચી રહ્યો. સંસ્થાનું નામ હતું -

‘ધી કેટાલિસ્ટ’

એક્સેલરેટીંગ યોર પ્રોગ્રેસ.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.