તાજેતરની પોસ્ટસ

નવેમ્બર 01, 2010

ઇન્દ્રિયવિગ્રહ - ચિરાગ ઠક્કર 'જય'

પંચેન્દ્રિયો એકવાર સર્જનહાર પાસે એક નવીન ફરિયાદ લઈને ગઈ અને તેમણે ન્યાય માંગ્યો. તેમની ફરિયાદ આ પ્રમાણે હતી.
‘હે સર્જનહાર!’ સ્પર્શેન્દ્રિયએ વાત શરૂ કરી, ‘અમે પંચેન્દ્રિયોએ જીવ માત્રમાં આપની આજ્ઞા મુજબ સહવાસ કર્યો છે અને સદાય આપના આદેશોનું પાલન કર્યું છે. જો ક્યારેય કોઈ ઇન્દ્રિયએ તે જીવમાંથી દુર્ભાગ્યવશ વિદાય લીધી, તો બાકી રહેલી અન્ય ઇન્દ્રિયો તે ખોટ પૂરવાના તમામ પ્રયત્નો કરે છે. અમે હંમેશા સુમેળથી રહ્યાં છીએ. સૃષ્ટિના સર્જનથી આજ સુધી સદાય અમારામાં સહભાગિતાની ભાવના રહી છે. હે સર્વશક્તિમાન! પણ હવે લાગે છે કે કલિ અમને સ્પર્શી રહ્યો છે. આજે પહેલી વાર પંચેન્દ્રિયોમાં ખટરાગ ઉત્પન્ન થયો છે. આજે અમે અમારી રાવ લઈને આપની સમક્ષ હાજર થયા છીએ. ચાર ઇન્દ્રિયો આપને ફરિયાદ કરવા ઇચ્છુક છે. સર્વને આપના ન્યાય પર સંપૂર્ણ વિશ્વાસ છે.’
‘હે શક્તિસ્રોત! આપે મને જગતમાં પ્રવર્તમાન વિવિધ ગંધને ઓળખવાનું કાર્ય આપ્યું છે.’ ઘ્રાણેન્દ્રિયએ સૌ પ્રથમ પોતાની ફરિયાદ કહી સંભળાવી, ‘અને મે હંમેશા નિષ્ઠાપૂર્વક આપની આજ્ઞાનું પાલન કર્યું છે. છતાં મારુ અસ્તિત્વ માત્ર એક અંગ પૂરતું જ સીમિત છે. નાસિકાઓ સિવાય ક્યાંય મારો વાસ જ નથી. અને તે નાસિકામાં પણ આપે સ્પર્શેન્દ્રિયને સ્થાન આપ્યું છે. મારો સ્થાન માત્ર એક નાનકડા અંગમાં અને તેને પણ મારે સ્પર્શેન્દ્રિયની સાથે વહેચવાનું? શું આ વાત ન્યાયથી વિસંગત નથી?’
‘હે ન્યાયવિધાન!’ પછી સ્વાદેન્દ્રિયએ પોતાની રાવ કહી સંભળાવી, ‘આ જગતમાં પ્રવર્તમાન તમામ સ્વાદને ઓળખવા માટે મને સર્વશક્તિમાન બનાવવા માટે હું આપની અત્યંત આભારી છું. જીવમાત્રના જીવનની વિવિધ રસાનુભૂતિમાં હું અગત્યનો ભાગ ભગવું છું. તેમ છતાં ઘ્રાણેન્દ્રિયની જેમ મને પણ માત્ર એક જ અંગમાં સ્થાન મળ્યું છે અને એ અંગને પણ પૂરતી ઇજ્જત નથી મળતી. માનવો તો જિહ્વાને જ વિખવાદ અને રોગનું મૂળ સમજે છે. અને મારા નાજુક અંગમાં પણ આપે સ્પર્શેન્દ્રિયને વાસ આપ્યો છે.’
‘હે સર્વોત્તમ વ્યવસ્થાપક!’ દૃષ્ટિન્દ્રીયએ પોતાની વાત આમ રજૂ કરી, ‘જીવમાત્રને મળતી માહિતીમાંથી મહત્તમ માહિતી મેળવવાનું કાર્ય મને સોંપવા બદલ હું આપની ઋણી છું. ઘણીવાર જીવમાત્રનું અસ્તિત્વ મારી પર નિર્ભર હોય છે. માટે આપે કેટલાય જીવોને એક કે બે કરતા પણ વધારે આંખો અર્પી છે. આટલા મહત્વના કર્મ છતાં પણ મને એવા અંગમાં સ્થાન મળ્યું છે કે જે નિષ્ફળ જવા ટેવાયેલા છે. આશ્વર્યની વાત તો એ છે કે અંધાપો હવે જાણે જીવસૃષ્ટિમાં એક સ્વીકૃત અભિશાપ છે. અને એથી પણ વધારે આશ્વર્યની વાત તો એ છે કે નયનમાંથી દૃષ્ટિ ચાલી જશે તો પણ સ્પર્શેન્દ્રિયનો વાસ તો તેની પલક પર રહેવાનો જ. શું નયનો પર દૃષ્ટિથી પણ વધારે અધિકાર સ્પર્શેન્દ્રિયનો હોય તે અન્યાયકર્તા નથી?’
‘હે સર્વવ્યાપી!’ બાકી રહેલ શ્રવણેન્દ્રિયએ પણ વિનયપૂર્વક કહ્યું, ‘મારી ફરિયાદ પણ આ સર્વથી અલગ નથી. સતત સાંભળતા રહેવાની આપે મને આજ્ઞા કરી છે અને જીવમાત્રની નિદ્રા દરમિયાન પણ હું એ કાર્ય નિરંતર કરુ છું. મને સ્થાન મળ્યું છે માત્ર બે કર્ણમાં જ ને તેમાં પણ સ્પર્શેન્દ્રિયનો વાસ તો ખરો જ ને? શું દરેકે-દરેક કોષમાં સ્પર્શેન્દ્રિયને સ્થાન આપીને આપે તેને આપની પ્રિયતમ ઇન્દ્રિય નથી ગણી? જીવસૃષ્ટિ તો ઠીક, આપે તો તેને લજામણી જેવા છોડમાં પણ વાસ કરવાની મંજૂરી આપી છે. કોઈ જીવ દૃષ્ટિ, શ્રવણ કે સ્વાદની ઇન્દ્રિય ગુમાવી શકશે પણ કોઈ જીવે સ્પર્શેન્દ્રિયને ગુમાવી હોય તેવું અમને જ્ઞાન નથી. માત્ર સ્પર્શેન્દ્રિયને સર્વવ્યાપકતા અને અવિનાશીપણું અર્પીને આપે અમને આપના વિશેષાનુરાગને પાત્ર ન ગણ્યા તેનો અમને ચારેને સંતાપ છે. આ વિષે અમારે આપના વચન સાંભળવા છે.’   
સર્વવ્યાપીએ એક મનમોહક સ્મિત સાથે માર્દવપૂર્ણ, ઘેઘૂર અને પ્રેમાળ સ્વરે કહ્યું, ‘હે ઇન્દ્રિયો! સૌ પ્રથમ તો આપને હું એ જણાવવા ઇચ્છું છું કે પ્રિય, પ્રિયતર કે પ્રિયતમ જેવા માપદંડનું નિરપેક્ષ અસ્તિત્વમાં કોઈ સ્થાન નથી. આપ સર્વે અને આ જગતમાં વસતો એક-એક જીવ મને એક સમાન પ્રિય છે. હું મારા અંશો વચ્ચે કોઈ ભેદભાવ કઇ રીતે રાખી શકું?’
‘આ સમગ્ર સૃષ્ટિમાં અપાર વૈવિધ્ય છે અને સૌનો સાંકળી શકે તેવું માત્ર એક જ તત્વ છે.’ પ્રેમાનિધાને પ્રેમપૂર્વક કહ્યું, ‘અને એ તત્વ છે પ્રેમ. વિધ-વિધ પરિસ્થિતિમાં વસતા અબજો જીવોને બાંધતું એક જ સત્વ છે પ્રેમ. આ અંતરિયાળ ખંડોના ટુકડાને જોડતી એક જ શક્તિ છે પ્રેમ. એ તત્વ, એ સત્વ અને એ શક્તિ સર્વવ્યાપી અને સર્વસ્વીકૃત હોય તે માટે એક વૈશ્વિક માધ્યમ, એક વૈશ્વિક ભાષાનું સર્જન અનિવાર્ય હતું. તેના માટે સ્પર્શથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોય? તેના માટે સ્પર્શથી વધારે ભાવવાહી અને આલંકારિક અન્ય કોઈ ભાષા ખરી?
‘સ્પર્શેન્દ્રિયને મે એક-એક કોષમાં સ્થાન એટલા માટે આપ્યું છે કે જેથી દરેક જીવ પ્રેમ આપવા અને પામવા માટે કોઈ જ તક ચૂકે નહિ. સ્પર્શ એ પ્રેમની સર્વોત્તમ ભાષા છે. માટે જ સ્વજનની વિદાયથી શોકાતુર જીવને જિહ્વા થકી રચાયેલા શબ્દો નહિ પણ એક આલિંગન વધારે આશ્વસ્ત કરી શકે છે, માટે જ પવિત્ર ગ્રંથોનું વાંચન નહિ પણ ખભા પર રહેલો વાત્સલ્યસભર હાથ સાચું માર્ગદર્શન આપી શકે છે અને માટે જ ૠચાઓનું શ્રવણ નહિ પણ હસ્તધુનન વિખવાદમાં સંવાદિતા લાવી શકે છે.’
‘પ્રેમ સનાતન છે અને માટે જ તેનું માધ્યમ પણ અવિનાશી છે. જો આંખ, કાન, નાક કે જિહ્વા નિષ્ફળ જશે તો જીવથી જીવનું અનુસંધાન કે પ્રત્યાયન અટકી નહિ જાય. પણ જો સ્પર્શેન્દ્રિય નિષ્ફળ જશે, તો તે જરૂર અટકી જશે. તેને અવિનાશી રાખવા પાછળ વિશેષાનુરાગ નહિ પરંતું જીવને જીવથી જોડાયેલા રાખવાનો વિચાર માત્ર છે.’
‘અને હા, અસ્પૃશ્યતાનો આડંબર રાખનાર જીવ કદી પણ પ્રેમ પામી નહિ શકે કે નહિ તે પોતાનામાં રહેલો પ્રેમને વહાવી શકે. માટે એ ઘોર પાપ ન આચરવાનું તમામ જીવો જણાવવાનું ચૂકતા નહિ. અસ્પૃશ્યતા એ જગતમાં વ્યાપી રહેલ કલિનું બીજું નામ છે તે યાદ રાખજો.’
ભાવાનુભૂતિથી ગદગદિત થઇ ઉઠેલ સર્વે ઇન્દ્રિયોએ સર્વોત્તમને વંદન કર્યા. તેમનામાં વ્યાપેલ શંકાઓનું સમાધાન થવાથી તેઓ અત્યંત આનંદિત હતા. આરોપમુક્ત થયેલ સ્પર્શેન્દ્રિયએ પ્રેમ-પૂર્વક કહ્યું, ‘હે પ્રેમપુરાણના સર્જક! આપનો અમારા પ્રત્યેનો સમાનુરાગ અમારું પ્રેરકબળ છે. મને અપાયેલી આ અતિ વિકટ જવાબદારીને હું સફળતાપૂર્વક પાર પાડી શકું તે માટે મને શક્તિ અર્પો તેવી આપને પ્રાર્થના છે. હવે માત્ર એક જ શંકા છે જેનું સમાધાન કરવા આપને વિનંતી છે. જો સ્પર્શ એજ પ્રેમની ભાષા હોય, તો તે ભાષાનો સૌથી સુંદર શબ્દ કયો?’
‘ચુંબન!’ પ્રેમાનિધાને પ્રત્યુત્તર પાઠવ્યો.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.