સતત વેરાતો રહ્યો છું સ્વાર્થની કરવતથી,
ખૂબ પીધું તોય તરસ્યો ઝાકળના શરબતથી.
આ સમય નિરંતર પ્રહારો કર્યે જાય છે,
ઢાલ બનાવીને બચુ છું રાઇના પરવતથી.
એ જખમ આપ્યે જાય છે બહાને-બહાને,
હું તેને સાચવી રાખુ છું ખૂબ માવજતથી.
અનન્ય બિનહરીફ પ્રેમસ્પર્ધા છે આપણી,
હું હારુ છું માત્ર તારા એક મતથી.
પથ્થરના મંદિરો પર શ્રધ્ધા નથી લેશમાત્ર,
પ્રેમમાં ડૂબુ છું, પ્રભુદર્શનની નિસબતથી.
ડરવું નહિ, ડગવું નહિ, જીવનનો સિધ્ધાંત છે,
કામ લઉ છું હંમેશા ખૂબ હિંમતથી.
ગરીબ છું, લાચાર છું, પણ જીવુ છુ ખુમારીથી,
આતમ નથી વેચ્યો 'જય' ક્યારેય જરૂરતથી.
No comments:
Post a Comment
આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.