તાજેતરની પોસ્ટસ

ઑગસ્ટ 02, 2010

આનંદો....

મિત્રો,

ગત ગુરુવારે મે માતૃભૂમી ભારતથી મંગાવેલુ પાર્સલ આવી ગયુ અને તેમાં નાસ્તા અને મસાલાની સાથે-સાથે મારો ખજાનો પણ આવી ગયો છે. એ ખજાનો એટલે મારા પ્રિય પુસ્તકો અને ૧૯૯૬ થી ૨૦૦૬ એમ કુલ ૧૧ વર્ષ સુધીના મારા સર્જનો.

લેખન મને હંમેશા એક ગુઢ પ્રક્રિયા લાગી છે. હુ ક્યારેય પણ આયોજન કરીને લખી શક્યો નથી. લેખનના મારા પ્રથમ તબક્કામા એવું બનતુ કે કેટલીક વાર હુ સાયકલ ચલાવતા કોઇ જોડકણું - જે તે સમયે મને ગઝલ લાગતી- લખી નાખતો તો કેટલીક વાર મને સ્વપ્નમાં શબ્દો તરતા દેખાય અને જેમ માળી બગીચામાંથી ફૂલ ચૂંટતો હોય તેમ શબ્દો ચૂંટીને હુ મધરાતે લખવા બેસી જતો. એ ૧૧ વર્ષ દરમિયાન ભાગ્યે જ કોઇ દિવસ કાંઇક લખાણ વિના ગયો હશે. પરિણામે મારા એ ખજાનામાં ૫૦૦ થી વધુ કવિતાઓ, ગઝલો, હાઇકુ કે ગીતો છે. તે વખતે મને કાવ્યોની સાથે પ્રતિ-કાવ્યો અને ગઝલોની જેમ હઝલો પણ લખવી ગમતી હતી. ઘણીવાર રાજકારણ અને ભ્રષ્ટાચાર જેવી સમસ્યાઓ પણ આ સર્જનનો વિષય રહેતી. અસંખ્ય પાદપૂર્તિ સ્પર્ધાઓમાં ભાગ લીધો તે સમયગાળા દરમિયાન. એટલું બધુ લખે રાખતો કે એક ૫૬૦ પાનાની નવલકથા પણ લખી નાખી.

પણ ૨૦૦૩ પછી જાણે કે કુદરતે મગજની સર્જનાત્મક કળ દાબીને બંધ કરી નાખી અને પછી પ્રયત્ન કરવા છતા પણ લખાતુ નહિ અને જો લખવા બેસુ તો પણ માત્ર એક જ વિષય પર લખી શકાતુ - પ્રેમ! અને પછી મે મારી લેખનીને માત્ર મારા ખિસ્સાની શોભા બની રહેવા દીધી.

પાછલા માર્ચ મહિનાથી ફરી પાછી લખવાની અદમ્ય ઇચ્છા થયે રાખે છે અને માટે જ મે મારો પેલો ખજાનો મંગાવ્યો છે. જોકે હજુ વિષય વૈવિધ્ય હજુ પ્રાપ્ત નથી થયુ કે નથી મને શબ્દોના સપના આવતા પણ હવેથી આ બ્લોગ પર વધુ બોર પીરસતો રહીશ.

ફરી મળવા માટે અત્યારે વિરમું છું.

1 ટિપ્પણી:

  1. આપના બ્લોગને ગુજરાતી બ્લોગ્પીડિયા બ્લોગ એગ્રીગેટર માં સામેલ કર્યો છે મુલાકાત લેશો http://rupen007.feedcluster.com/

    આપને ગરવા ગુજરાતીઓનું નેટજગત ગ્રુપમાં જોડાવા આમંત્રણ છે .મુલાકાત લેશો http://groups.google.co.in/group/netjagat

    જવાબ આપોકાઢી નાખો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.