
જાણતો નથી કે હું ખુશ છું કે ઉદાસ છું,
પ્રેમમાં સફળ છું કે નિષ્ફળ પ્રયાસ છું.
ધર્મ છે મારો હંમેશા આપ્યા કરવાનો,
માનો તો પ્રેમ છું, માનો તો સુવાસ છું.
સતત ચાલતો રહ્યો છું પ્રણયપંથે,
ખબર રહી નથી કે હું માર્ગ છું કે પ્રવાસ છું.
પ્રિય ગઝલ આવ આજ તને શણગારી દઉ,
હું અલંકાર, હું છંદ ને હું જ સમાસ છું.
અશબ્દતાના અંધકારમાં ય વાત થઇ શકે,
જોઇ શકે જો તો હું મૌનનો ઉજાસ છું.
ઊચ્છવાસ માની શરીરથી કાઢી નહિ શકો,
પ્રેમના પ્રાણવાયુથી ભરેલો શ્વાસ છું.
ફરી ફરીને પ્રેમની શોધમાં અહીં આવશો 'જય',
હું અભિલાષા, હું ઉત્સવ ને હું જ ઉલ્લાસ છું.
- ચિરાગ ઠક્કર 'જય'