તાજેતરની પોસ્ટસ

જૂન 01, 2010

હે પુત્રી શુભમંગલકામના - ચિરાગ ઠક્કર 'જય'


પર્વતની કઠોરતામાંથી
ખૂબ પ્રેમ-યત્નપૂર્વક પ્રસવતી
સુમધુર, પ્રેમાળ, નમણી,
ઊછળતી, કૂદતી, ચંચળ એવી
પર્વતપુત્રી નદી
અનેક વળાંકો,
વિશાળ ખડકો,
વિધ-વિધ મેદાનોમાંથી
સ્વપ્રયત્ને પસાર થઈને
દોડતી-દોડતી, આવેગપૂર્વક
પોતાના પ્રિયતમ સાગરને
એક દિવસ અચૂક
જઈ મળે છે;
અને
પામે છે એ સાગરની
આકર્ષક વિશાળતાને.

પરંતુ તેણી પોતાના
ભાગ્યજળની મીઠાશને પણ
એ ખારા સમુદ્રમાં
ભેળવી દે છે.
અને પર્વત હંમેશા
વિચારતો રહે છે કે
તેની નદીના નસીબમાં
શું હશે?
સમુદ્રની વિશાળતા કે ખારાશ?

હે પુત્રી,
એ સમુદ્રના અથાગ ઊંડાણમાંથી
તને અમૂલ્ય રત્નોનો
તુજ મનગમતો
દુર્લભ, વિશાળ ખજાનો
પ્રાપ્ત થાય
તેવી હ્રદયપૂર્વકની શુભમંગલકામના.

પર્વત તો માત્ર
દૂરથી જ રળીયામણા લાગે
અને સમીપથી
અત્યંત કઠોર;
પણ...
જ્યારે તને લેશમાત્ર
મીઠાશની અધૂરપ વર્તાય
તવ વિશાળ કે ખારા જીવનમાં
ત્યારે...
એ પર્વતની કઠોરતાને નહીં
પણ એણે પ્રસવેલ
નદીના જળની મીઠાશને
સ્મરજે!

શુભમ ભવતુ.

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.