તાજેતરની પોસ્ટસ

માર્ચ 31, 2010

કેમ કહું? - ચિરાગ ઠક્કર 'જય'તકદીરની તકલીફની વાત કેમ કહું?
એક બુંદથી પ્રપાતનો આઘાત કેમ કહું?

ભલેને પોઢેલા પણ છેવટે તો કબરમાં જ,
આવા એશો-આરામને નિરાંત કેમ કહું?

આજે પણ બચી ગયો તારી નજરોના કામણથી,
આવી તો ગઈ છે કેટલીય ઘાત, કેમ કહું?

નથી ચાહતો તું જાય, ને વળાવું છું તને,
મનમંથનનો વિષમય વલોપાત, કેમ કહું?

અંધકાર જ્યાં તારી યાદોનો અતિ ગાઢ છે,
વિરહની આ રાતને પ્રભાત કેમ કહું?

'ભલે પધાર્યા','પુનઃ આવજો' કહેવાનું ચૂક્યો,
છે 'જય'ના મૃત્યુની વારદાત, કેમ કહું?

- ચિરાગ ઠક્કર 'જય'


માર્ચ 27, 2010

એક સ્મિત વિના - ચિરાગ ઠક્કર 'જય'
આપ મને વિદાય, તેની કોઇ તકલીફ નથી,
પણ એક સ્મિત વિના આપ, તે ઠીક નથી.
આપ મને વિદાય...o

ખૂબ પામ્યો છું ચાહત, ચાહી છે તને ખૂબ,
રખેને ભૂલી જઇશ મને, એવી કોઈ બીક નથી.
આપ મને વિદાય...o

હંમેશ હારતો રહ્યો છું તુજ સંગ ખેલેલી બાજીઓ,
હું ખુશ ન હોઉ, તારી એવી કોઈ જીત નથી.
આપ મને વિદાય...o

તું એ હું ને હું એ તું, ને હું-ને-તું એક જ વળી,
કદીય તું મુજથી દૂર નથી, કદીય તું નજીક નથી.
આપ મને વિદાય...o

'જય' પ્રણયને પાંખની જરૂર શું હોય?
ન આવું એક પુકારે તો સાચી મારી પ્રીત નથી.

આપ મને વિદાય, તેની કોઇ તકલીફ નથી,
પણ એક સ્મિત વિના આપ, તે ઠીક નથી.