તાજેતરની પોસ્ટસ

ડિસેમ્બર 22, 2010

સૌથી નિરાળા આપને – ચિરાગ ઠક્કર ‘જય’


સંવેદનાના સાગરમાં સહેલતા-સહેલતા,
સમયની સળોને સંકેલતા-સંકેલતા,

સ્વરોના સરોવરમાં સરકતા-સરકતા,
સુગંધના સંદેશથી સળવળતા-સળવળતા,

સૂરાની સભ્યતાને સંભાળતા-સંભાળતા,
સૌદર્યના સમંદરમાં સળગતા-સળગતા,

સંબંધોના સનેપાતમાં સબડતા-સબડતા,
સ્વાર્થના સંગાથથી સૂસવતા-સૂસવતા,

સપ્તપદીના સરથી સિસકતા-સિસકતા,
સ્વીકારના સાક્ષાત્કારને સમજતા-સમજતા,

સંગીન સ્નેહથી સજાવતા-સજાવતા, 
સદાય સ્મરું આપને-આપને.

ડિસેમ્બર 20, 2010

સૌ મૂરખ દિવાના - ચિરાગ ઠક્કર 'જય'

[પ્રખ્યાત ભજન 'એકલા જવાના મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાના.' ના રાગ પર (૧૯૯૮)]


જાન જોડી જવાના મરવા,
જાન જોડી જવાના,
ઘોડે ચડી, સાફો પે'રી,
જાન જોડી જવાના.

કઠણ કેડીએ મિત્રો ન સાથ દે,
કોઈએ લખેલા પ્રેમપત્રો ન સાથ દે,
મિત્રો ન સાથ દે ભલે,
પત્રો ન સાથ દે ભલે,
મરવાના તો છે શમ્મા માટે પરવાના.
જાન જોડી જવાના મરવા,
જાન જોડી જવાના...

આપણે એકલા ને સંસાર એકલો,
નોકર વિનાના ઘરનો આધાર એકલો,
વાસણ ઘસીએ ને ભલે,
પોતા કરીએ ને ભલે,
તોય લગન કરવાના સૌ મૂરખ દિવાના.

જાન જોડી જવાના મરવા,
જાન જોડી જવાના,
ઘોડે ચડી, સાફો પે'રી,
જાન જોડી જવાના.

નવેમ્બર 29, 2010

બની શકે! - ચિરાગ ઠક્કર 'જય'

With Love...photo © 2008 sudarshan vijayaraghavan | more info (via: Wylio)


કંટક તમને ચાહે ને ફૂલો આપે ડંખ, બની શકે!
ભોમિયા ભૂલા પડે નહિ, દગો આપે પંથ, બની શકે!

હોતી નથી પ્રાપ્તિ પ્રણયપંથની એક માત્ર મંઝિલ,
સૂરજ હોય મારો, પડછાયા છોડે સંગ, બની શકે!

શરમાય સુંદરતા આપના આગમનથી કદાચ,
કદાચ ઈન્દ્રધનુ ય વિસરે કોઈ રંગ, બની શકે!

સાગર કિનારે સહુ સદાય ભીંજાયેલા લથબથ,
ને હોય માંહી ડૂબેલાનું કોરું કોઈ અંગ, બની શકે!

કોરા કાગળમાંથી છલકાઈ ઊઠે પ્રેમ સંદેશાઓ,
ખળભળતા જગતમાંય મૌન સંબંધ, બની શકે!

કેમ થાય અભિવ્યક્ત લાગણી લઘુ-ગુરુ નિયમમાં?
ધસમસતા પ્રણયની ગઝલ નિસ્છંદ, બની શકે!

મળ્યા તમે ને સમજાઈ પ્રેમની પરિભાષા 'જય'ને,
એક આંખ હસે, બીજી આંખ રડે અનંત, બની શકે!

નવેમ્બર 13, 2010

મોર્ડન હેલો - ચિરાગ ઠક્કર 'જય'

[તે સમયની રાજકીય અને સામાજીક પરિસ્થિતી આ પ્રમાણે હતીઃ શ્રી અટલજીની પ્રથમ સરકાર ૧૩ દિવસ ચાલીને માત્ર એક જ મતથી પડી હતી અને ત્યારબાદ તેમણે બીજી વાર સરકાર રચી તેના ૧૦૦ દિવસ પૂરા થયા હતા. મમતા બેનરજી અને જયલલિતા તેમના માથાનો દુઃખાવો હતા અને સાથી પક્ષો પણ પજવતા હતા.  મીઠા અને ડુંગળીના ભાવવધારાથી સરકાર પાછી સંક્ટમાં હતી. દિલ્હીમાં દર્દીઓની કિડની કાઢી લેવાનું કૌભાંડ બહાર આવ્યું હતું અને ગુજરાતમાં સ્વરૂપ સેક્સ ક્યોરનું કૌભાંડ ચગેલું હતું. રીક્ષાવાળાના મીટર તો  ભારતનો દેવાનંદ (એવર ગ્રીન) વિષય છે જ! ત્યારે પીડીત જનતાના મોઢેથી ગવાયેલો હેલો!]


માતા જયલલિતાના ડાર્યા,
 આ અટલજી બિચારા,
સૂડી  વચ્ચે ના સોપારા,
સો દિવસ ચાલી સરકાર,
મારો હેલો સાંભળો હો..હો જી.

 વાણિયોને વાણિયણ શાક લેવા જાય,
ભાવ સાંભળીને વાણિયો બેભાન થઇ જાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

મૂંઝાયેલી વાણિયણ, આંસુ ચાલ્યા જાય,
વાણિયાને રિક્ષામાં નાખીને લઇ જાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

રિક્ષાવાળો હોશિયાર, ફેરવીને લઇ જાય,
અજાણીએ વાણિયણ, બમણું ભાડું થાય.
 મારો હેલો સાંભળો હો..હો જી.

નકલી પ્રમાણપત્રોથી ડો. કુરૂપ બનાય,
ડો. કુરૂપ બની ભોળા લોકોને ધુતાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

એવામાં બિચારી વાણિયણ ફસાય,
ઊટવૈદના ખોખલા ખેલ શરૂ થાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

છાણિયો દેવતા અહિ સિંગતેલથી પૂજાય,
પીઠે મૂકી હાથ કે' આના પેટમાં ગડબડ થાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

વાણિયાને ઓપરેશન માટે ડોકટર લઈ જાય,
એ બહાને તેની કિડની કાઢી લેવાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

ઓપરેશનના નામે લાખો રૂપિયા થાય,
છેવટે બિચારો વાણિયો મરી જાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

સાંભળો ઓ સરકાર, આ કેમ સહેવાય?
ધોળે દિવસે અહિં તો લોકશાહી લૂંટાય.
મારો હેલો સાંભળો હો..હો જી.

નવેમ્બર 05, 2010

મનમાં - ચિરાગ ઠક્કર 'જય'


તે કહેલા શબ્દો વર્ષોથી હસે છે મનમાં,
તે  જીવેલી ક્ષણો વર્ષોથી શ્વસે છે મનમાં.

તારી તરફ તણાઉ હું તસુ-તસુ રોજ,
મારી તરફ તું વર્ષોથી ખસે છે મનમાં.

પૂછે મને બધા કેમ નથી જતો મંદિરે?
તારી તસવીર વર્ષોથી વસે છે મનમાં.

જોઇએ ના 'જય'ને જીવનમાં બીજું કશું,
તારા માટે એ વર્ષોથી તરસે છે મનમાં.

નવેમ્બર 01, 2010

ઇન્દ્રિયવિગ્રહ - ચિરાગ ઠક્કર 'જય'

પંચેન્દ્રિયો એકવાર સર્જનહાર પાસે એક નવીન ફરિયાદ લઈને ગઈ અને તેમણે ન્યાય માંગ્યો. તેમની ફરિયાદ આ પ્રમાણે હતી.
‘હે સર્જનહાર!’ સ્પર્શેન્દ્રિયએ વાત શરૂ કરી, ‘અમે પંચેન્દ્રિયોએ જીવ માત્રમાં આપની આજ્ઞા મુજબ સહવાસ કર્યો છે અને સદાય આપના આદેશોનું પાલન કર્યું છે. જો ક્યારેય કોઈ ઇન્દ્રિયએ તે જીવમાંથી દુર્ભાગ્યવશ વિદાય લીધી, તો બાકી રહેલી અન્ય ઇન્દ્રિયો તે ખોટ પૂરવાના તમામ પ્રયત્નો કરે છે. અમે હંમેશા સુમેળથી રહ્યાં છીએ. સૃષ્ટિના સર્જનથી આજ સુધી સદાય અમારામાં સહભાગિતાની ભાવના રહી છે. હે સર્વશક્તિમાન! પણ હવે લાગે છે કે કલિ અમને સ્પર્શી રહ્યો છે. આજે પહેલી વાર પંચેન્દ્રિયોમાં ખટરાગ ઉત્પન્ન થયો છે. આજે અમે અમારી રાવ લઈને આપની સમક્ષ હાજર થયા છીએ. ચાર ઇન્દ્રિયો આપને ફરિયાદ કરવા ઇચ્છુક છે. સર્વને આપના ન્યાય પર સંપૂર્ણ વિશ્વાસ છે.’
‘હે શક્તિસ્રોત! આપે મને જગતમાં પ્રવર્તમાન વિવિધ ગંધને ઓળખવાનું કાર્ય આપ્યું છે.’ ઘ્રાણેન્દ્રિયએ સૌ પ્રથમ પોતાની ફરિયાદ કહી સંભળાવી, ‘અને મે હંમેશા નિષ્ઠાપૂર્વક આપની આજ્ઞાનું પાલન કર્યું છે. છતાં મારુ અસ્તિત્વ માત્ર એક અંગ પૂરતું જ સીમિત છે. નાસિકાઓ સિવાય ક્યાંય મારો વાસ જ નથી. અને તે નાસિકામાં પણ આપે સ્પર્શેન્દ્રિયને સ્થાન આપ્યું છે. મારો સ્થાન માત્ર એક નાનકડા અંગમાં અને તેને પણ મારે સ્પર્શેન્દ્રિયની સાથે વહેચવાનું? શું આ વાત ન્યાયથી વિસંગત નથી?’
‘હે ન્યાયવિધાન!’ પછી સ્વાદેન્દ્રિયએ પોતાની રાવ કહી સંભળાવી, ‘આ જગતમાં પ્રવર્તમાન તમામ સ્વાદને ઓળખવા માટે મને સર્વશક્તિમાન બનાવવા માટે હું આપની અત્યંત આભારી છું. જીવમાત્રના જીવનની વિવિધ રસાનુભૂતિમાં હું અગત્યનો ભાગ ભગવું છું. તેમ છતાં ઘ્રાણેન્દ્રિયની જેમ મને પણ માત્ર એક જ અંગમાં સ્થાન મળ્યું છે અને એ અંગને પણ પૂરતી ઇજ્જત નથી મળતી. માનવો તો જિહ્વાને જ વિખવાદ અને રોગનું મૂળ સમજે છે. અને મારા નાજુક અંગમાં પણ આપે સ્પર્શેન્દ્રિયને વાસ આપ્યો છે.’
‘હે સર્વોત્તમ વ્યવસ્થાપક!’ દૃષ્ટિન્દ્રીયએ પોતાની વાત આમ રજૂ કરી, ‘જીવમાત્રને મળતી માહિતીમાંથી મહત્તમ માહિતી મેળવવાનું કાર્ય મને સોંપવા બદલ હું આપની ઋણી છું. ઘણીવાર જીવમાત્રનું અસ્તિત્વ મારી પર નિર્ભર હોય છે. માટે આપે કેટલાય જીવોને એક કે બે કરતા પણ વધારે આંખો અર્પી છે. આટલા મહત્વના કર્મ છતાં પણ મને એવા અંગમાં સ્થાન મળ્યું છે કે જે નિષ્ફળ જવા ટેવાયેલા છે. આશ્વર્યની વાત તો એ છે કે અંધાપો હવે જાણે જીવસૃષ્ટિમાં એક સ્વીકૃત અભિશાપ છે. અને એથી પણ વધારે આશ્વર્યની વાત તો એ છે કે નયનમાંથી દૃષ્ટિ ચાલી જશે તો પણ સ્પર્શેન્દ્રિયનો વાસ તો તેની પલક પર રહેવાનો જ. શું નયનો પર દૃષ્ટિથી પણ વધારે અધિકાર સ્પર્શેન્દ્રિયનો હોય તે અન્યાયકર્તા નથી?’
‘હે સર્વવ્યાપી!’ બાકી રહેલ શ્રવણેન્દ્રિયએ પણ વિનયપૂર્વક કહ્યું, ‘મારી ફરિયાદ પણ આ સર્વથી અલગ નથી. સતત સાંભળતા રહેવાની આપે મને આજ્ઞા કરી છે અને જીવમાત્રની નિદ્રા દરમિયાન પણ હું એ કાર્ય નિરંતર કરુ છું. મને સ્થાન મળ્યું છે માત્ર બે કર્ણમાં જ ને તેમાં પણ સ્પર્શેન્દ્રિયનો વાસ તો ખરો જ ને? શું દરેકે-દરેક કોષમાં સ્પર્શેન્દ્રિયને સ્થાન આપીને આપે તેને આપની પ્રિયતમ ઇન્દ્રિય નથી ગણી? જીવસૃષ્ટિ તો ઠીક, આપે તો તેને લજામણી જેવા છોડમાં પણ વાસ કરવાની મંજૂરી આપી છે. કોઈ જીવ દૃષ્ટિ, શ્રવણ કે સ્વાદની ઇન્દ્રિય ગુમાવી શકશે પણ કોઈ જીવે સ્પર્શેન્દ્રિયને ગુમાવી હોય તેવું અમને જ્ઞાન નથી. માત્ર સ્પર્શેન્દ્રિયને સર્વવ્યાપકતા અને અવિનાશીપણું અર્પીને આપે અમને આપના વિશેષાનુરાગને પાત્ર ન ગણ્યા તેનો અમને ચારેને સંતાપ છે. આ વિષે અમારે આપના વચન સાંભળવા છે.’   
સર્વવ્યાપીએ એક મનમોહક સ્મિત સાથે માર્દવપૂર્ણ, ઘેઘૂર અને પ્રેમાળ સ્વરે કહ્યું, ‘હે ઇન્દ્રિયો! સૌ પ્રથમ તો આપને હું એ જણાવવા ઇચ્છું છું કે પ્રિય, પ્રિયતર કે પ્રિયતમ જેવા માપદંડનું નિરપેક્ષ અસ્તિત્વમાં કોઈ સ્થાન નથી. આપ સર્વે અને આ જગતમાં વસતો એક-એક જીવ મને એક સમાન પ્રિય છે. હું મારા અંશો વચ્ચે કોઈ ભેદભાવ કઇ રીતે રાખી શકું?’
‘આ સમગ્ર સૃષ્ટિમાં અપાર વૈવિધ્ય છે અને સૌનો સાંકળી શકે તેવું માત્ર એક જ તત્વ છે.’ પ્રેમાનિધાને પ્રેમપૂર્વક કહ્યું, ‘અને એ તત્વ છે પ્રેમ. વિધ-વિધ પરિસ્થિતિમાં વસતા અબજો જીવોને બાંધતું એક જ સત્વ છે પ્રેમ. આ અંતરિયાળ ખંડોના ટુકડાને જોડતી એક જ શક્તિ છે પ્રેમ. એ તત્વ, એ સત્વ અને એ શક્તિ સર્વવ્યાપી અને સર્વસ્વીકૃત હોય તે માટે એક વૈશ્વિક માધ્યમ, એક વૈશ્વિક ભાષાનું સર્જન અનિવાર્ય હતું. તેના માટે સ્પર્શથી ઉત્તમ માધ્યમ બીજું કયું હોય? તેના માટે સ્પર્શથી વધારે ભાવવાહી અને આલંકારિક અન્ય કોઈ ભાષા ખરી?
‘સ્પર્શેન્દ્રિયને મે એક-એક કોષમાં સ્થાન એટલા માટે આપ્યું છે કે જેથી દરેક જીવ પ્રેમ આપવા અને પામવા માટે કોઈ જ તક ચૂકે નહિ. સ્પર્શ એ પ્રેમની સર્વોત્તમ ભાષા છે. માટે જ સ્વજનની વિદાયથી શોકાતુર જીવને જિહ્વા થકી રચાયેલા શબ્દો નહિ પણ એક આલિંગન વધારે આશ્વસ્ત કરી શકે છે, માટે જ પવિત્ર ગ્રંથોનું વાંચન નહિ પણ ખભા પર રહેલો વાત્સલ્યસભર હાથ સાચું માર્ગદર્શન આપી શકે છે અને માટે જ ૠચાઓનું શ્રવણ નહિ પણ હસ્તધુનન વિખવાદમાં સંવાદિતા લાવી શકે છે.’
‘પ્રેમ સનાતન છે અને માટે જ તેનું માધ્યમ પણ અવિનાશી છે. જો આંખ, કાન, નાક કે જિહ્વા નિષ્ફળ જશે તો જીવથી જીવનું અનુસંધાન કે પ્રત્યાયન અટકી નહિ જાય. પણ જો સ્પર્શેન્દ્રિય નિષ્ફળ જશે, તો તે જરૂર અટકી જશે. તેને અવિનાશી રાખવા પાછળ વિશેષાનુરાગ નહિ પરંતું જીવને જીવથી જોડાયેલા રાખવાનો વિચાર માત્ર છે.’
‘અને હા, અસ્પૃશ્યતાનો આડંબર રાખનાર જીવ કદી પણ પ્રેમ પામી નહિ શકે કે નહિ તે પોતાનામાં રહેલો પ્રેમને વહાવી શકે. માટે એ ઘોર પાપ ન આચરવાનું તમામ જીવો જણાવવાનું ચૂકતા નહિ. અસ્પૃશ્યતા એ જગતમાં વ્યાપી રહેલ કલિનું બીજું નામ છે તે યાદ રાખજો.’
ભાવાનુભૂતિથી ગદગદિત થઇ ઉઠેલ સર્વે ઇન્દ્રિયોએ સર્વોત્તમને વંદન કર્યા. તેમનામાં વ્યાપેલ શંકાઓનું સમાધાન થવાથી તેઓ અત્યંત આનંદિત હતા. આરોપમુક્ત થયેલ સ્પર્શેન્દ્રિયએ પ્રેમ-પૂર્વક કહ્યું, ‘હે પ્રેમપુરાણના સર્જક! આપનો અમારા પ્રત્યેનો સમાનુરાગ અમારું પ્રેરકબળ છે. મને અપાયેલી આ અતિ વિકટ જવાબદારીને હું સફળતાપૂર્વક પાર પાડી શકું તે માટે મને શક્તિ અર્પો તેવી આપને પ્રાર્થના છે. હવે માત્ર એક જ શંકા છે જેનું સમાધાન કરવા આપને વિનંતી છે. જો સ્પર્શ એજ પ્રેમની ભાષા હોય, તો તે ભાષાનો સૌથી સુંદર શબ્દ કયો?’
‘ચુંબન!’ પ્રેમાનિધાને પ્રત્યુત્તર પાઠવ્યો.

ઑક્ટોબર 27, 2010

તો કેવું સારુ? - ચિરાગ ઠક્કર 'જય'તું મળે તે ક્ષણ યુગ જેવી બને,
ને તારા વિનાનો યુગ ક્ષણ જેવો હોય,
તો કેવું સારુ?

સમૂહમાંય શાંતિ શોધી શકાય,
ને શાંતિનો પડઘમ ગણ જેવો હોય,
તો કેવું સારુ?

કીડીને કણ ને હાથી ને મણ મળે,
ને ચકલીની ચાંચમાંય ચણ જેવું હોય,
તો કેવું સારુ?

માનવતાની તંગી જ્યાં વધતી ચાલી,
અહિં કોઇ જણ ‘જણ’ જેવું હોય,
તો કેવું સારું?

ઝરણ નહિ તો પ્રેમના ઝાંઝવા જોઇ જીવુ,
દુનિયાનો આભાસ રણ જેવો હોય,
તો કેવું સારુ?

હું, તું ને આપણુઃ બસ
આપણો પરિવાર ત્રણ જેવો હોય,
તો કેવું સારુ?- ચિરાગ ઠક્કર 'જય'

[જ્યારે જીવનમાં વ્યક્તિગત સ્વાતંત્ર્ય અને જીવનસાથીની ઝંખનાઓએ આકાર લેવા માંડ્યો, ત્યારે કોલેજના પ્રથમ વર્ષ ૧૯૯૯ માં આ રચના લખી હતી. અત્યારે પણ એજ આશાવાદ સાથે ઘણી વાર વિચારો આવે કે આમ હોય તો કેવું સારુ ને તેમ ન હોય તો કેવું સારુ પણ એ આશાવાદ ઉપર ઘણીવાર અસ્તિત્વવાદ ભારે પડે છે.]

તે કુદરત - ચિરાગ ઠક્કર 'જય'


શિશિરની શીતળસી શર્વરીમાં,
ઝાડના પાને જામ્યું એક ઝાકળ,
સમજે તેના માટે સાવ સહેલું,
અણસમજુને જે લાગે અકળ,
તે કુદરત.

ઉનાળાના ઉંબરે ઊભા-ઊભા,
ફોડેલા-ફાટેલા કાલા અને-
બળબળતા બપોરસી બાળાએ
શીત-લહર કાજ કરેલી અટકળ,
તે કુદરત.
ચોમાસે પડતી ચપચપ બુંદોમાં
પાડે જે પોતાનું પ્રતિબિંબ,
અગનને જે આળે પાણીથી
ને પાણીમાં પ્રગટાવે દાવાનળ,
તે કુદરત.
[ રચના લખાઇ હતી ૧૯૯૮માં અને મારી પ્રિય રચનાઓમાની એક છે.]

ઇજન - ચિરાગ ઠક્કર 'જય'આવ, લાગી જા ગળે,
કોઇ ખટારાગ નહિ રહે,
પલળી જા મુજ પ્રેમમાં,
કોઇ વિરાગ નહિ રહે.

ઓગળ મુજમાં
તું સબરસ બનીને,
રહે જીવનમાં
તું સમરસ બનીને.

ઉદિત થઇને આવ,
આવ નિશા બનીને,
છવાઇ જા જીવનમાં
દસ દિશા બનીને.

ખુશ્બુ બનીને
શ્વાસમાં મળજે,
સાથી બનીને
પ્રવાસમાં મળજે.

સંઘર્ષમય જીવનમાં
શક્તિ થઇ મળજે,
પ્રભુમય જીવનમાં
ભક્તિ થઇ મળજે.

સ્વપ્ન બનીને
તું આંખોમાં વસજે,
માળો બનીને
મુજ પાંખોમાં વસજે.

વસજે તું મુજમાં
મારો આતમ થઇને,
મળજે તું મુજને
મારો પ્રિતમ થઇને.

ઉત્તર તું મળજે
સાચા સ્વરૂપે,
અભિવ્યક્તિ બનજે
વાચા સ્વરૂપે.

હું રસ્તો છું,
મુજ મંઝિલ બનજે,
હું પ્રેમસાગર,
તું સાહિલ બનજે.

જીવનમાં મળજે
તું જીવન બનીને,
મુજમાં તું ખીલજે
ઉપવન બનીને.

નહિતર એ ઉપવનમાં
ક્યાંય પરાગ નહિ રહે,
સદાય તુજ કાજ જલતો
આ 'ચિરાગ' નહિ રહે.

આવ લાગી જા ગળે,
કોઇ ખટરાગ નહિ રહે,
પલળી જા 'જય' પ્રેમમાં,
કોઇ વિરાગ નહિ રહે.

-ચિરાગ ઠક્કર 'જય'

[આ રચના લખાઇઅ હતી ૧૯૯૯માં. તેને શું કહેવું - કવિતા, ગીત, ગઝલ કે નઝમ - તે ત્યારે ખબર નહોતી પડતી અને અત્યારે મૂંઝવણ થાય છે. તે વખતે મે 'જય' ઉપનામ પણ નહોતું અપનાવ્યું માટે તેમાં 'ચિરાગ' વાપરેલુ છે. 'જય' અત્યારે ઉમેર્યુ છે. આશા છે કે આપને એક કિશોરનો કલબલાટ ગમશે.]

સપ્ટેમ્બર 30, 2010

પછી પ્રેમ શરૂ થાય છે - ચિરાગ ઠક્કર 'જય'


ખબર પડતી નથી, એમનેમ શરૂ થાય છે,
પાગલપનની હદ પછી પ્રેમ શરૂ થાય છે.

તારી ચાહતના ઇરાદાઓ અટકી પડે છે જ્યાં,
ત્યાંથી તને ચાહવાની મારી નેમ શરૂ થાય છે.

શયતાનિયત વસે છે આદમીના દિમાગમાં,
તેના દિલમાંથી ખુદાની રહેમ શરૂ થાય છે.

ઘમરોળી નાખ્યું જીવન તારા નામ પર અમે,
યાદી તવ પ્રેમીની બીજાથી કેમ શરૂ થાય છે?

જુવે તુજ તસવીર 'જય' આત્મઘાત પહેલા,
જીવનની જીજીવિષા હેમખેમ શરૂ થાય છે.

સપ્ટેમ્બર 22, 2010

ચપટી વોટ આપતા જજો - ચિરાગ ઠક્કર 'જય'


માઇ-બાપ, ચપટી વોટ આપતા જજો, છોકરા ભૂખ્યા છે,
ઝોળીમાં કંઇક નાખતા જજો, છોકરા ભૂખ્યા છે.

વચન આપીએ છીએ અમે જૂના વચન પાળવાનું,
કરશું કામ નર્મદાને ગુજરાતમાં વાળવાનું,
મતપત્રક પર ચોકડી છાપતા જજો.
માઇ-બાપ, ચપટી વોટ આપતા જજો, છોકરા ભૂખ્યા છે.

ફાટી ગઇ છે ધોળી ટોપી,
બીજી ઇચ્છાઓ ગઇ છે લોપી,
ભવોભવની ભૂખ ભાંગતા જજો,
માઇ-બાપ, ચપટી વોટ આપતા જજો, છોકરા ભૂખ્યા છે.

મૃત્યુની અફર ખાતરીની જેમ આવશું,
પાંચ વર્ષે નવરાત્રિની જેમ આવશું,
અમારી સંગ રાસ રમતા જજો,
માઇ-બાપ, ચપટી વોટ આપતા જજો, છોકરા ભૂખ્યા છે.

અમને, માત્ર અમને ચૂંટવા આવજો,
પછી અમે તમને લૂંટવા આવશું,
લોકશાહીની ધોરી નસ કાપતા જજો,
માઇ-બાપ, ચપટી વોટ આપતા જજો, છોકરા ભૂખ્યા છે.

[૨૦૦૧] 

સપ્ટેમ્બર 18, 2010

જીવન - ચિરાગ ઠક્કર 'જય'


ધિક્કાર, ધુત્કાર અને નકારનું જીવન,
નિરર્થક, નપુંસક વિચારનું જીવન.

બુંદોમાં સંકુચિત સુખનો સમુંદર, ને-
અનંતસમ દુઃખના વિસ્તારનું જીવન.

પાંપણ ગલેફે આંસુના ઓશિકા નિશામાં,
પડછાયાના સ્પર્શનું સવારનું જીવન.

ન જાણું હશે સ્વર્ગ પેલે પાર કે શમણું?
નિરાશાઓના નર્કનું આ પારનું જીવન.

શબ્દના શ્વાસ અને દર્દ સંગ દોસ્તી એની,
જીવે છે 'જય' વિચિત્ર પ્રકારનું જીવન.

સપ્ટેમ્બર 16, 2010

મૌનનો સંવાદ - ચિરાગ ઠક્કર 'જય'


બોલી બોલીને થાક્યા બાદ,
મૌનના ય સંવાદ હોવા જોઇએ.
સ્વપ્નની  સ્વપ્ન થકી મજા ન આવે,
તેના સત્યમાં અનુવાદ હોવા જોઇએ.

હોય નહિ સૌ દુનિયાદારી આ જગમાં,
તેમાંય કોઇ અપવાદ હોવા જોઇએ.
ક્યાંથી અહિ આવે બર બધાની મુરાદ?
કોઇક તો જગમાં નામુરાદ હોવા જોઇએ.

ભગ્ન હ્દય ક્યાં સુધી ભંડારીશું ભોયમાં?
કોઇક હદય તો આબાદ હોવા જોઇએ.
સ્વાર્થ, સ્વાર્થ ને માત્ર સ્વાર્થ જ નહિ,
પ્રેમનાય ક્યાંક વરસાદ હોવા જોઇએ.

માણસે કવિ તરીકે જીવવા 'જય',
સંપૂર્ણતઃ આઝાદ હોવા જોઇએ.
બોલી બોલીને થાક્યા બાદ,
મૌનનાય સંવાદ હોવા જોઇએ.

સપ્ટેમ્બર 10, 2010

વસ્ત્ર - ચિરાગ ઠક્કર 'જય'


એક એક ક્ષણને,
પ્રત્યેક પળને,
આશાના તાંતણા વડે વણીને,
એક...
સરસ મજાનું, મનમોહક,
સ્વપ્ન નામક કાપડ,
મે જહેમતથી ગૂંથ્યું.

એ કાપડને,
ખૂબ જ જતનથી,
પલકના કવરમાં મૂકી,
ગયો...
હું સમય નામક દરજી પાસ,
મુજ માનીતું
વસ્ત્ર સીવડાવવા.

ને એ દરજીએ,
મારા મનના ખૂણે-ખૂણાનું,
ચોક્સાઇથી માપ લીધું,
અને...
એ માપ બધે જ,
સમાન હતું, સમરૂપ હતું,
તારા નામનું હતું.

પછી એ ચાલાક દરજીએ,
સંજોગોના સંચામાં,
એ કાપડ સીવવા માટે નાખ્યું,
જે...
હજુંય સંચામાં ફસાયેલું છે,
ને હું એ ક્ષણોને મૂકીને,
ઘણો જ આગળ વધી ગયો.

આગળ ગયા પછી,
હમણાં જ મને ભાન થયું,
મે આ શું કર્યું? 
કહ્યું... 
કોઇકે આ 'શું કર્યું?' ના જવાબમાં,
કે આનું જ નામ જીવન,
આનું જ નામ મજબૂરી.

ને હું તો,
હજુંય એ વસ્ત્ર વિના,
ફરી રહ્યો છું,
નગ્ન...
પણ કોઇ હસસો નહિ,
ન ખાજો તરસ મુજ પર,
મેં તો પ્રેમ કર્યો છે.

સપ્ટેમ્બર 06, 2010

કાબિલે-દાદ - ચિરાગ ઠક્કર 'જય'


અધરસ્તે ઓળખ્યો નહિ, વિનય કાબિલે-દાદ,
જાણીને અજાણ્યા બનવાનો અભિનય કાબિલે-દાદ.

સરકતો રહ્યો સાવ ધીમે-ધીમે વિરહની સંવેદનામાં,
એ આવતા જ દોડવા માંડ્યો, ઓ સમય કાબિલે-દાદ.

 ચાખ્યો હતો જે એકવાર ને હજુંય ભૂલ્યો નથી,
આપના અધરોમાં વસેલો મધુસંચય કાબિલે-દાદ.

આમ  તો આપનારને ઉપનામ મળે છે કર્ણનું,
દિલ આપીને દિવાના ગણાયા, વિસ્મય કાબિલે-દાદ.

ઘરના દ્વાર ખોલીને અંતરના દ્વાર બંધ,
પ્રતિકારમય સ્વીકારનો અનુનય કાબિલે-દાદ.

ક્યાંથી કદર હોય ફૂલને ફોરમની પાનખર પહેલા?
મુજ ચિતા જોઇ બોલીશ, 'જય'નો પ્રણય કાબિલે-દાદ.

ઑગસ્ટ 28, 2010

નકામો પ્રશ્ન - ચિરાગ ઠક્કર 'જય'


પ્રીતિ મહત્વની છે એની જ્યોત પરત્વે,
પતંગા માટે જીવવાનો પ્રશ્ન નકામો છે.

મદિરાલયમાં જવાની અહેમિયત છે,
ઘાયલ માટે પીવાનો પ્રશ્ન નકામો છે.

અજ્વાસ  ફેલાવ ચહુઓર, તુજ કર્મ કર,
તળે અંધારાનો દીવાનો પ્રશ્ન નકામો છે.

પ્રેમ છે વાદળ માટે, તરસે છે એથી ચકોર,
પ્રથમ બુંદને પીવાનો પ્રશ્ન નકામો છે.

ધ્યેય છે એક જ, તે મેળવી ને જંપીશ,
મુશ્કેલીઓથી બીવાનો પ્રશ્ન નકામો છે.

પારિજાત છું, કવિતાના ફૂલ ખેરવ્યા કરીશ,
કેટલા ખર્યા? ગણવાનો પ્રશ્ન નકામો છે.

હું પંખી, ચૂંટ્યા કરુ કવિતાના તણખલા,
'જય' નિરાશ થવાનો પ્રશ્ન નકામો છે.

ઑગસ્ટ 26, 2010

જવાબ વિનાનું ઉખાણું - ચિરાગ ઠક્કર 'જય'

ગુલાબોમાં રમતા-રમતા
મળ્યું એક ઝાકળ,
સૂરજ ઉગ્યા પછી શું થશે?

ચહેરાઓમાં રમતા-રમતા
કરી એક અટકળ,
હ્રદય તૂટ્યા પછી શું થશે?

વિચારોમાં રમતા-રમતા
ફાટ્યો એક દાવાનળ,
દેહ સળગ્યા પછી શું થશે?

નિરાશામાં રમતા-રમતા
આશાનો એક કાગળ,
તેને વાંચ્યા પછી શું થશે?

                                                                                        મોહમાયામાં રમતા-રમતા
                                                                                        જીવન રહ્યું પાછળ,
                                                                                        શ્વાસ ખૂટ્યા પછી શું થશે?

ઑગસ્ટ 25, 2010

ઝાકળના શરબત - ચિરાગ ઠક્કર 'જય'સતત વેરાતો રહ્યો છું સ્વાર્થની કરવતથી,
ખૂબ પીધું તોય તરસ્યો ઝાકળના શરબતથી.

આ સમય નિરંતર પ્રહારો કર્યે જાય છે,
ઢાલ બનાવીને બચુ છું રાઇના પરવતથી.

એ જખમ આપ્યે જાય છે બહાને-બહાને,
હું તેને સાચવી રાખુ છું ખૂબ માવજતથી.

અનન્ય બિનહરીફ પ્રેમસ્પર્ધા છે આપણી,
હું હારુ છું માત્ર તારા એક મતથી.

પથ્થરના મંદિરો પર શ્રધ્ધા નથી લેશમાત્ર,
પ્રેમમાં ડૂબુ છું, પ્રભુદર્શનની નિસબતથી.

ડરવું નહિ, ડગવું નહિ, જીવનનો સિધ્ધાંત છે,
કામ લઉ છું હંમેશા ખૂબ હિંમતથી.

ગરીબ છું, લાચાર છું, પણ જીવુ છુ ખુમારીથી,
આતમ નથી વેચ્યો 'જય' ક્યારેય જરૂરતથી.

અર્ધાંગિની - ચિરાગ ઠક્કર 'જય'


કોઇ રોગ નથી છતાં ગોળી ફાક્યા કરે છે,
વિના કારણ શકની સોય તાક્યા કરે છે.

રહું ઉભો જો કોઇ તેજીલી અગનશિખા સંગ,
દૂર ઉભી-ઉભી એ પોતે દાઝ્યા કરે છે.

કરુ વાતો જો કોઇ મધુરભાષિની જોડે તો,
વારંવાર હવન માં હાડકા નાખ્યા કરે છે.

કમાઉ છું હું, અને દાઢી પણ મને જ ઉગે છે,
છતાંય એ સેવિંગનો હિસાબ રાખ્યા કરે છે.

ક્યાંક બીજે તો મોઢું મારીને નથી આવ્યોને?
મારા હોઠ એ વારંવાર ચાખ્યા કરે છે.

દિવસ આખો મને અડચણ ન થાય માટે-
માત્ર  રાત્રે જ તેનો રેડિયો વાગ્યા કરે છે.

કહે છે 'શાંતિ' તો મારી ભવની શોક્ય છે,
એટલે એ આખો દિવસ બબડ્યા કરે છે.

ને છતાંય...

મને થાક ન લાગે દિવસભર કામ કરીને,
માટે મારી સાથે આખો દિવસ થાક્યા કરે છે.

ને મારો બધો જ કંટાળો દૂર કરવા માટે,
અરીસા સામે બેસીને એ સજ્યા કરે છે.

કોઇ રોગ નથી છતાં ગોળી ફાક્યા કરે છે,
વિના કારણ શકની સોય તાક્યા કરે છે.

ઑગસ્ટ 24, 2010

ફૂલ પછીની સુવાસની જેમ - ચિરાગ ઠક્કર 'જય'


આવી મુજ જીવનમાં
તું શ્વાસની જેમ,
ચાલી ગઇ અણધારી
ગરમ ઉચ્છવાસની જેમ.

શણગારી ગઇ મુજ્ને
અલંકારને સમાસની જેમ,
પહેલા પૂનમ બનીને પ્રગટી,
જતી રહી અમાસની જેમ.

ઉભો  રહ્યો હું ભીની આંખે,
નિષ્ફળ એક પ્રયાસની જેમ,
હજું 'જય'માં હાજર છે તું,
ફૂલ પછીની સુવાસની જેમ.

અભિન્ન

મિત્રો,

આજથી લગભગ ૧૮ મહિના પહેલા જ્યારે આ બ્લોગ શરૂ કર્યો, ત્યારે તેની પાછળ એવી ભાવના હતી કે ઇન્ટરનેટ પર અથવા બીજે ક્યાંય પણ જે ગમતું વાંચવા મળે તેનો ગુલાલ કરવો અને તેમાં મે મારી પોતાની પણ કેટલીક કૃતિઓ પણ મૂકી હતી અને આ સંચયનું નામ આપ્યું હતુ 'શબરીસંચય'.

હવે, જ્યારે મને મારો જૂનો ખજાનો પ્રાપ્ત થયો છે અને તેમાં મારી પોતાની અસંખ્ય રચનાઓ છે ત્યારે તેવો નિર્ણય કર્યો છે કે હવે મને મારાથી અભિન્ન લાગતો મારો સાહિત્યનો ખજાનો આપની પાસે વહેચવો છે માટે આ બ્લોગનું નામ બદલીને 'અભિન્ન' રાખ્યું છે અને આમ પણ નામ માં શું રાખ્યું છે? તેની URL બદલાયેલ નથી માટે તેની RSS Feeds બદલાશે નહિ, તે આપની જાણ માટે.

આપનો  મિત્ર,
ચિરાગ ઠક્કર 'જય'
રક્ષાબંધન ૨૦૧૦.

ઑગસ્ટ 22, 2010

બે'ન તને - ચિરાગ ઠક્કર 'જય'


ક્યારેક હસાવી લઉ, ક્યારેક રડાવી લઉ,
રિસાઇ જાય જો પછી, તો મનાવી લઉ.

મારા પર ગુસ્સો કરશે એવું લાગે,
તો હોઠો પર સ્મિત સજાવી લઉ.

જ્યારે-જ્યારે હું દુઃખમાં હોઉ ત્યારે-
બે'ન નહિ, તને મા બનાવી લઉ.

હસુ, રડું, લડુ કે ઝઘડુ,
મોઢું તારા ખોળામાં છુપાવી લઉ.

બહુ દિવસે જ્યારે મને મળે છે,
એક પપ્પીમાં હરખ સમાવી લઉ.

જ્યારે-જ્યારે લાગે કે તું મારાથી દૂર છે,
મંદિરે દર્શન કરીને હું ચલાવી લઉ.

લાગે કે યમ માથે ભમી રહ્યો છે ત્યારે-
મુજ હાથ પર તારી રાખડી બંધાવી લઉ.

[મને ખરેખર ઉછેરીને મોટો કર્યો હોય તો મારી મોટી બહેને. મમ્મીને નોકરીમાં ઘરથી દૂર રહેવું પડતું અને તે માત્ર વીક-એન્ડમાં જ ઘરે આવી શકતી માટે મારી ખરી દેખભાળ મારી બહેને જ કરી હતી. ૧૯૯૮માં તેના લગ્ન થયા ત્યારે હું મારી જાત ને એમ કહેતો કે મને મારી મા ના લગ્નમાં શામેલ થવાનો મોકો મળ્યો. પણ તે બાદ હું એક્લો પડી ગયો હતો અને તેને યાદ કરતા-કરતા આવું ગાંડુ-ઘેલુ લખ્યું હતું તે આ રક્ષાબંધન નિમિત્તે.]

ઑગસ્ટ 18, 2010

અમે તો રહી ગયા ફક્ત તારા થઈને - ચિરાગ ઠક્કર 'જય'અમે તો હતાં એક ઝરણું,
નહોતુ મળવું દરિયાને ખારા થઇને.

બંધ નહોતુ થાવું કોઇ બાંધમાં,
વહેવું'તુ એક નાનકડી ધારા થઇને.

ગુંજવુ'તું સૂર થઇ કોઇ કર્ણમાં,
પડઘાતા રહ્યાં દુઃખના નારા થઇને.

નક્કી કર્યુ બહુ હેરાન થઇને કે-
નથી રહેવું હવે સારા થઇને.

ચાહ્યા અમે આપને અનહદ,
ને એકલા રહ્યા બિચારા થઇને.

આ દુનિયા એટલી ખરાબ નથી 'જય',
અમે તો રહી ગયા ફક્ત તારા થઇને!

ઑગસ્ટ 15, 2010

વૈષ્ણવજન (મોર્ડન) - ચિરાગ ઠક્કર 'જય'


વૈષ્ણવજન તો કોને રે કહીએ,
સૌ  પોતાનું કરી જાણે રે,
ઉપકારે અપકાર કરે તોય,
સજ્જ્ન પોતાને ગણાવે રે.
           વૈષ્ણવજન તો...

સકળ લોકમાં સૌને નિંદે,
કામ  ન કરે એ કો'નુ રે,
વાચ-કાજ-મન ચલિત રાખે,
ધન-ધન કરતાં નવ થાકે રે.
            વૈષ્ણવજન તો...

નીચ દૃષ્ટિને, તૃષ્ણાભોગી,
પરસ્ત્રી  જેને હાથ રે,
જિહ્વા થકી એ સત્ય ન બોલે,
પરધન નેય ઝાલે હાથ રે.
             વૈષ્ણવજન તો...

મોહમાયાને  વળગી રહે,
ભોગવિલાસ જેના મનમાં રે,
રામ નામ નો ત્યાગી લાગે,
સકળ દોષ તેના તનમાં રે,
             વૈષ્ણવજન તો...

લોભી-પાપીયો-કપટ સહિત જે,
કામક્રોધ જેના તનમાં રે,
નવરો 'જય' આ લખે, વાંચતા-
ક્રોધ ના મનમાં આવે રે.
              વૈષ્ણવજન તો...

[આ  પ્રતિકાવ્યની વાત કરવા માટે મારે અચૂક 'ઉલટા ચશ્મા' ના અનન્ય સર્જક શ્રી તારક મહેતાને યાદ કરવા પડે કારણ કે તેમને મે વર્ષો સુધી વાંચ્યાં છે અને તેમના એક લેખમાં તેમણે આ વાત કરી હતી કે 'વૈષ્ણવજન તો કોને રે કહીએ' અને તેની પ્રેરણાથી મે આ પ્રતિકાવ્યની રચના કરી હતી. (મને યાદ છે ત્યાં સુધી મે તેમને આ પ્રતિકાવ્ય પત્ર દ્વારા મોકલ્યું પણ હતું!?) માટે નિઃસંદેહ આ રચના તેમને અર્પણ. ભક્તકવિ શ્રી નરસિંહ મહેતા અને તેમની ખૂબ ભાવવાહક અને ગાંધીજીની પ્રિય આ રચનાનું અપમાન કરવાનો કોઇ ઉદ્દેશ્ય નથી તે તો આપ જાણો જ છો.]

ઑગસ્ટ 13, 2010

ને એય લીલા લ્હેર છે! - ચિરાગ ઠક્કર 'જય'


એમને ક્યાં દેશની પડી છે!
એમને તો લૂંટવા શહેર છે,
ને એય લીલા લ્હેર છે!

ઉદઘાટનોમાં ગુલતાન એ,
કરતાં હંમેશા થોડી દેર છે,
ને એય લીલા લ્હેર છે!

મારા-મારી કરીને સંસદમાં,
વરતાવતા એ કાળો કેર છે,
ને એય લીલા લ્હેર છે!

કંઇક કાવા-દાવા કરતા-કરતા,
મેળવે ખુરસી યાને ચેર છે,
ને એય લીલા લ્હેર છે!

આપી આપીને પૂરા ન કરે,
વચનના નામે આપે ઝેર છે,
ને એય લીલા લ્હેર છે!

ઇન્સાન નથી એ શેતાન છે,
માનવતા સાથે એમને વેર છે.
ને એય લીલા લ્હેર છે!

ખરેખર જો જનતા જાગે 'જય'-
તો કયા ખૂણે એમની ખેર છે?
ને એય લીલા લ્હેર છે!

[સીટી તાલુકા વ્યાયામ પ્રચારક મંડળ દ્વારા ૧૯૯૭ માં આયોજીત ૨૯મી 'યુવા પ્રતિભા શોધ સ્પર્ધા' માં પાદપૂર્તિ વિભાગમાં મને આ પાદપૂર્તિ બદલ તૃતીય પુરસ્કાર મળેલ. તે વખતે હું  ધોરણ ૧૧ (વિજ્ઞાન પ્રવાહ) માં (પરાણે) અભ્યાસ કરતો હતો અને ૭ માંથી માત્ર ૨ વિષયમાં જ મને રસ પડતો - સંસ્કૃત અને અંગ્રેજી. ભગવાને મને પહેલા પ્રયત્નમાં જ ધોરણ ૧૨ (વિજ્ઞાન પ્રવાહ) માં પાસ કરાવ્યો અને પછી તરત જ મે મારી ભૂલ સુધારવા કોલેજમાં F.Y.B.A. માં અંગ્રેજી સાહિત્યનો અભ્યાસ શરૂ કર્યો હતો.]

ઑગસ્ટ 12, 2010

કાચની દિવાલ - ચિરાગ ઠક્કર 'જય'એમણે પૂછ્યું, "કેમ છો?"
"કેવા હોઈએ  તમારા વિના?"

"કેમ આવું બોલો છો?"
"હવે બોલવા જેવું શું રહ્યું છે?"

"નિરાશાવાદી થઈ ગયા કે શું?"
"આશાકિરણ ક્યાં પ્રગટે છે?"

"શબ્દોમાં શીતળતા કેમ નથી?"
"ઉષ્મા તો ભૂતકાળમાં નહોતી?"

"ભૂતકાળનો કિનારો હજુ નથી છૂટ્યો?"
"એજ વર્તમાનની શરૂઆત નથી?"

"શું વર્તમાન વિચ્છિન્ન નથી લાગતું?"
"એ વિચ્છિન્ન ફરીથી અભિન્ન ન થાય?"

"હું તો વર્તમાનમાં જ જીવું છું ને?"
"એમ? કેમ છો?" મે પૂછ્યું.

વર્તુળનો અનંત પરીઘ
એમ ને એમ ફરતો રહ્યો,

ને જીવન આખું ગયું
એક કાચની દિવાલ ચણવામાં.

ઑગસ્ટ 11, 2010

તું બચાવજે ખુદા - - ચિરાગ ઠક્કર ‘જય’


ટોળાનો ઘોંઘાટ સહન કરી લઇશું ગમે તેમ,
એકાંતના પડઘમથી તું બચાવજે ખુદા.

નગ્નતાને સત્ય તરીકે સ્વીકારી લઇશું,
વસ્ત્રોની શરમથી તું બચાવજે ખુદા.

ફૂટેલા હશે તો એને નસીબ માની લઇશું,
નીચ કરમથી તું બચાવજે ખુદા.

સર્વધર્મ સમભાવમાં માનું છું મનથી,
ફંટાયેલા ધરમથી તું બચાવજે ખુદા.

પ્રેમ શબ્દ લાગે છે અતિ આકર્ષક,
એના ભેદ-ભરમથી તું બચાવજે ખુદા.

જ્ઞાનને જ પત્ની બનાવી પરણવા ઇચ્છું,
અજ્ઞાનના હરમથી તું બચાવજે ખુદા.

શત્રુઓનો સામનો સામી છાતીએ કરશે ‘જય’,
મિત્રોના ભરમથી તું બચાવજે ખુદા.

ઑગસ્ટ 10, 2010

એટલું તો નહિતર રળી જઇશું - ચિરાગ ઠક્કર 'જય'


સાકર છીએ અમે સાકર,
દૂધ જેવી દુનિયામાં ભળી જઇશું,
પ્રયત્ન  કરશો જો પ્રેમથી પામવાનો,
તો ભીડભરી દુનિયામાંય મળી જઇશું.

મળે નફરત કે થાય અપમાન,
એક જ ઘૂંટમાં ગળી જઇશું,
સિંચશો થોડુંક જો પ્રેમનું પાણી,
ક્ષણ માત્રમાં જ ફળી જઇશું.

એક  ઇશારો જ તમારો ઘણો છે,
તુરત જ અમે કળી જઇશું,
કહેશો તો જીવી જઇશું,
કહેશો તો ઢળી જઇશું.

તમે મળો તો ઠીક છે,
એટલું તો નહિતર રળી જઇશું,
કે જીવતા તો 'જય' નડ્યો નથી,
મર્યા બાદ આસાનીથી બળી જઇશું.

-  ચિરાગ ઠક્કર 'જય'

ઑગસ્ટ 05, 2010

ધી બુકમાર્ક - ચિરાગ ઠક્કર 'જય'કોઈકે સાચું જ કહ્યું છે કે પુસ્તકો એટલે ખિસ્સામાં રહેલો બગીચો. હું એ બગીચો હંમેશા મારી સાથે જ લઇને ફરુ - મારા ખિસ્સામાં તો નહિ, પણ મારા બેક-પેકમાં. દળદાર પુસ્તકો ખિસ્સામાં તો સમાય ક્યાંથી? વાંચનનો શોખ ગાંડપણની હદ સુધી. સવારે ઊઠુ ત્યારથી રાત્રે ઊંઘુ ત્યાં સુધી હું વાંચન માટેના મોકા જ શોધતો ફરુ. જોકે મારા માટે તો એ શોખ નહી પણ જરૂરિયાત છે. જેમ શ્વાસ લઉ છું કે ખાઉ છું તેમ જ વાંચન કરુ છું. અને શ્રીમતીજીની પણ એ જ ફરિયાદ કે , તારા પુસ્તકો તો મારી સોતન છે!
એ ફરિયાદ હતી પણ તેને દૂર કરવા જ જાણે નવ મહિના પહેલા અમારા હુતો-હુતીના પરિવારમાં અક્ષાનું આગમન થયુ. અહીં લંડનમા તો આપણા ભારતની જેમ વડીલો કે ભાઇ-ભાભીથી ભરેલું ઘર ક્યાંથી હોય? અને પાડોશમાં કોણ રહે છે તે જાણવાની તો કોઇને ફુરસદ જ નથી હોતી. (પ્રાઈવસી, યુ નો?) માટે વર્કિંગ-કપલ માટે અહીં બાળ ઉછેર એ એક ભગીરથ કામ છે.
અમે છેવટે એવો ઉપાય અજમાવ્યો કે શ્રીમતીજી સવારે સાડા સાત વાગ્યે જોબ માટે નીકળી જાય અને બપોરે ત્રણ વાગ્યાની આસપાસ પાછા આવી જાય. ત્યાં સુધી અક્ષાને મારે સાચવવાની. પછી સાડા ત્રણે હું જોબ જવા નીક્ળું અને અક્ષાની જવાબદારી શ્રીમતીજીની. એટલે થાય એવું કે મારી સવારની એક આખી અલગ જ દુનિયા હોય - અક્ષા ઇન વન્ડરલેન્ડ. તેનો બ્રેકફાસ્ટ, તેના નેપી-ચેન્જ, તેના રમકડા - ટબુ, ટોમ અને ટીમી અને તેનો ઊંઘતા પહેલાનો કકળાટ, ઊંઘ દરમ્યાન મરક-મરક થતા હોઠ અને ઊઠ્યા બાદ મને બોલાવવા માટેના નિર્દોષ નખરા!
દરમિયાન મારા પુસ્તકો તો બિચારા ગૂંગળાતા રહે મારા બેક-પેકમાં. તેમને ઓક્સિજન મળે બપોરે પોણા ચાર વાગ્યે, જ્યારે હુ ઓક્સફર્ડ સ્ટ્રીટ જવા માટે બસ નંબર ૧૮ પકડું. પોણા ચારથી પોણા છ સુધીનો જર્ની ટાઇમ હું વિતાવુ વાંચનમાં. પીક-અવર્સનો ટ્રાફિક આમ પણ કંટાળાજનક હોય અને તેમા પાછી ૧૮ ની પચરંગી ભીડ એટલે તોબા! એટલે આજુબાજુ ક્યાંય પણ નજર ફેરવ્યા વગર હું ખૂંપી જાઉ મારી એક અલગ અનોખી દુનિયામાં. રાત્રે પાછાં વળતા પણ એજ દુનિયા - પુસ્તકો અને તેમાંથી ઉગી આવતા પાત્રો.
તમે નહિ માનો પણ મેઘાણીની રસધારના પાંચે ભાગ કે ડેન બ્રાઉનની દ વિન્ચીસ કોડકે અશ્વિની ભટ્ટની આખેટકે ઇરવિંગ વૉલેસની ધી વર્ડજેવા દળદાર પુસ્તકો મે આ ૧૮ નંબરમાં જ પૂરા કર્યા છે. તેમાં આવતા પાત્રો, તેમના ગમા-અણગમા, તેમના આનંદ અને તેમના તણાવ જાણે કે મારા પોતીકા બની જાય અને હું તેમાં એવો તે ઓતપ્રોત થઇ જાઉ કે ઘણી વાર તો મારી જોડે ઊંઘતા શર્માજીને પણ ભૂલી જાઉ ને ઘણી વાર તો ઊતરવાનું સ્ટોપ પણ ચૂકી જવાય ને પછી બે-ત્રણ સ્ટોપ આગળ શર્માજી અચાનક જાગી ઊઠે ને આજુ-બાજુ જોઇને બોલી ઉઠે, ઓ પુસ્તકીયા કીડા! આપણે તો નોર્થબીક પાર્ક ઇસ્પિતાલ પહોંચી ગયા અને તું હજુ બાંચે છે? તેઓ તેમની લાક્ષણીક યુ.પી.ની રીતે નો કરી નાખે છે. પછી ત્યાંથી અમે ઘર તરફ પાછા ચાલતા-ચાલતા આવીએ. વાતો કરવા માટેનો અમારો આ સૌથી ઉત્તમ સમય.
શર્માજી મારી બાજુની સ્ટ્ર્રીટ પર જ રહે છે અને મારી સાથે જ જોબ કરે છે. હોંશિયાર અને હસમુખો માણસ. ‘કદી મોળા નહિ પડવુંએવો જાણે કે તેમનો સ્પિરીટ. ઉત્તર પ્રદેશમાં જન્મ અને આઠ-દસ વર્ષ ગુજરાતમાં રહ્યા પછી અહીં લંડન આવ્યા. તેમનું હિન્દીની છાંટવાળું ગુજરાતી સાંભળવું એક આનંદાયક લ્હાવો છે.
હમણાથી શર્માજી અક્ષાને રમાડવા અવાર-નવાર ઘરે પણ આવતા રહે છે. પૈસે-ટકે સુખી એવા શર્માજી આમ તો હંમેશા હસતા જ હોય છે, પણ ઘણી વાર તેમના હાસ્યની પાછળ કરુણાની છાયા દેખાઇ આવે. તેમના કોલેજકાળ દરમ્યાન જ તેઓ મિત્રાના પ્રેમમાં પડ્યા અને ઘણા સંઘર્ષ બાદ તેઓ મિત્રાને પરણી શક્યા. જ્ઞાતિવાદ ઉપરાંત બીજી એક મોટી સમસ્યા હતી અને તે એ કે નાની ઉંમરથી જ મિત્રાને ટાઇપ ટુ પ્રકારનો ગંભીર ડાયાબિટીસ લાગુ પડેલો હતો અને તેણી ઘણા સમયથી ઇનસ્યુલીન પર જ હતી. ડોકટરોનો અભિપ્રાય એવો હતો કે ગર્ભાવસ્થા મિત્રા અથવા આવનાર બાળક કે બંને માટે ખૂબ જ જોખમકારક બની શકે છે માટે તેને ટાળવી એજ એક સેઇફ રૂટછે. માટે બધાની નામરજી હોવા છતાં પણ શર્માજી પરણ્યા હતા અને બધા સામાજીક ક્લેષથી કંટાળીને તેઓ અહી આવી ગયા હતા. અને હજીય આટલા લાંબા લગ્નજીવન બાદ પણ તેમણે એ જોખમ લેવાનું ટાળ્યું હતું. એકવાર આમ જ મારી સાથે ચાલતા-ચાલતા તેઓ ભાવુકતાપૂર્વક બોલી ગયા હતા કે બાળક નહિ હોય તો ચાલશે પણ હું મિત્રાને કદી જોખમમાં નહિ મુકી શકું.
કદાચ એટલે જ અક્ષા તેમને વિશેષ ગમતી હશે. તે, અને ઘણીવાર મિત્રા પણ, અક્ષાને રમાડવા આવી પહોંચતા. તેના માટે કંઇનુ કંઇ લેતા પણ આવે. અને હવે ધીરે-ધીરે અક્ષા પણ તેમને ઓળખતી થઈ ગઇ હતી માટે તેમના આગમનથી તે રડતી નહિ પણ ખુશ થઇને તેમની સાથે રમતી. શર્માજી ત્યારે ખૂબ ખુશ લાગતા અને મિત્રા પણ.
હંમેશની જેમ આજે પણ જોબથી પાછા ફરતી વખતે શર્માજી બસમાં ઊંઘી ગયા હતા અને હું આર્થર હેઇલીની ધી એરપોર્ટવાંચવામાં મગ્ન હતો. શર્માજી માટે બસ ઘોડિયાનુ કામ આપતી અને મારા માટે વાંચનાલયનુ. નવલકથા તેના અતિ રસપ્રદ અને ઉત્તેજક અંત તરફ ધસી રહી હતી. ‘ધી રોયલ એગોસીનામક વિમાનમાં એક પ્રવાસીએ બોમ્બબ્લાસ્ટ કર્યો હતો અને વિમાનના બે અનુભવી પાયલોટ વિમાનને બચાવવા ભરસક પ્રયાસ કરી રહ્યાં હતા. વિમાનના પેસેન્જરો અને એર ટ્રાફિક કંટ્રોલ ટાવરની જેમ મારો જીવ પણ તાળવે ચોટેલો હતો. આજે તો મારે પુસ્તક પૂરુ કર્યા વિના ઘરે જવું જ નહોતું.
ત્યાંજ બસની ઇન્ફો સિસ્ટમમાં અમારા રેગ્યુલર સ્ટોપ બટલર્સ ગ્રીનની જાહેરાત થઇ. હું આજે ત્રણ-ચાર સ્ટોપ સુધી આગળ જઇને પુસ્તક પૂરુ કરવાના મૂડમાં હતો. પણ બદનસીબે શર્માજી એ જાહેરાત સાંભળીને ઉઠી ગયા. ઇચ્છા તો નહોતી પણ હવે મારે અક્ષાની દુનિયામાં પાછા ફરવાનું હતું અને મને હજી પેલા પેસેન્જરોની ચિંતા સતાવી રહી હતી. માટે મારુ પુસ્તક બંધ કરી અમે બસમાંથી નીચે ઉતર્યા.
જ્યારે પણ મારે પુસ્તક બંધ કરવાનુ હોય, ત્યારે તેના કોઇ પાનાનો ખૂણો વાળીને બુકમાર્ક કરવાનુ હું ટાળતો. એક તો મને મારા પુસ્તકોની દુર્દશા થાય તે ગમતુ નહિ અને બીજો વિચાર મને એવો આવતો કે જો કોઇ મારા બાળકના કાન આમળે તો મને ના ગમે અને આ પુસ્તકો પણ જે તે લેખકના માનસબાળ જ છે ને? માટે હું હેરો કાઉન્સિલ કે બ્રેન્ટ કાઉન્સિલની લાઇબ્રેરીમાં મળતા એક્દમ પાતળા પૂંઠાના બુકમાર્કસ હાથવગા જ રાખતો અને આવા સમયે તેનો ઉપયોગ કરી લેતો. પણ અક્ષાએ રમતા-રમતા એ બધા જ ફાડી નાખ્યા ત્યારથી મને મારા ખિસ્સામાંથી જે મળ્યું કોઇ ખરીદીની રસીદ કે પાંચ દસ પાઉન્ડની નોટ કે છેવટે ચોકલેટના રેપર તેનો ઉપયોગ હું બુકમાર્ક તરીકે કરી લેતો.
અત્યારે પણ બસમાંથી ઉતરતા મે ખિસ્સામાં હાથ નાખ્યો, જે મળ્યું તે ખરુ. ત્યાંજ મારા પગ નીચે કાંઇક કચડાયું હોય તેવો ખખડાટ થયો. મે જોયુ તો મેપલ નામક વૃક્ષનું ખરી પડેલું સૂકું પાંદડું હતું. અચાનક જ મને એક વિચાર આવ્યો. મે આસપાસ નજર દોડાવી અને એક બીજુ સૂકુ પાંદડું શોધી નાખ્યું અને તેને બુકમાર્ક તરીકે મૂક્યું અને મારા વિચાર પર મનમાં જ મલક્યો.
શર્માજીએ મારી એ મુસ્કાન પકડી પાડી. શું થયું ભૈયા? અમને પણ કહો કેમ મુસ્કાવ છો? તેમણે પૂછ્યું.
માનવજાતની મૂર્ખતાનો વિચાર આવ્યોને શર્માજી એટલે હસી પડાયું. મે ઉત્તર આપ્યો.
શું બાત છે! આજે કંઇ ફિલોસોફીના મૂડમા છો? અમને પણ બતાવો અમે નાના માણસો શું મૂર્ખામી કરીએ છીએ? તેમણે ફરીથી પૂછ્યું.
જુઓને, કુદરતે આપણને આ સૂકા પાંદડાના રૂપે અસંખ્ય બુકમાર્કસ આપ્યા છે અને હું ખિસ્સામાં કાગળના ટુકડા શોધતો હતો. મે થોડા વિચારપૂર્વક કહ્યું, કુદરતે આપણને પીવા માટે પાણી અને દૂધ આપ્યું છે અને આપણે કોક અને પેપ્સીની પાછળ ભાગીએ છીએ. કુદરતે આપણને ઘણું આપ્યું છે પણ આપણે તો ઘરકી મુર્ગી દાલ બરાબરજેવો વર્તાવ કરીએ છીએ, ખરું ને?
સાવ સાચી બાત કહી તમે પછી તેમણે મારી સામે એક ધારદાર નજર નાખીને કહ્યુ, આપણે બધા ઘર કી મુર્ગી દાલ બરાબરજ માનીએ છીએને? સાચુ કહું, તમારી પુસ્તકોની દુનિયા અને ખરી દુનિયા બચ્ચેનું સાચું બુકમાર્ક તો તમારી અક્ષા છે, ખરુ ને?
            અચાનક મારા દિલમાં એક ગિલ્ટ ફીલીંગઉભરાઇ આવી અને તે શમી ત્યારે તેની સાથે પેલા વિમાનના પ્રવાસીઓની મારી ઉત્ક્ટ ચિંતા પણ લેતી ગઈ. અમે ઘર તરફ ચાલવા લાગ્યા અને હું વિચારવા લાગ્યો કે મારી અક્ષા શું કરતી હશે? રમતી હશે કે ઊંઘી ગઈ હશે? મને યાદ કરતી હશે કે મારી જેમ?
-ચિરાગ ઠક્કર જય
                              ૨૮ જુલાઇ, ૨૦૧૦.