તાજેતરની પોસ્ટસ

જૂન 12, 2009

હસબંધ(હઝલ) - ચિરાગ ઠક્કર 'જય'

પહેલા કેવો મુક્ત, મનમોજી, મક્કમ હતો,
હવે એક પીંજરમાં બંધ થઇ ગયો છું;
બન્યો જે ક્ષણથી હું તારો હસબન્ડ,
તે જ ક્ષણથી હું હસબંધ થઇ ગયો છું.

રખડતો રહેતો પહેલા રાતદિવસ હું,
હવે સમયનો ખૂબ પાબંદ થઇ ગયો છું;
કોઈ રસિક નવલકથાસમ જીવન હતું એ,
હવે એક નિરસ નિબંધ થઇ ગયો છું.

તું સમજાવે એજ હવે સત્ય લાગે છે,
મારા મગજથી થોડો મંદ થઇ ગયો છું;
તું બતાવે એજ હવે નિરખું છું વ્હાલી,
મારી દ્ર્ષ્ટિથી હું બહું અંધ થઇ ગયો છું.

પૈસા લાવુ છું અને પૈસા આપુ છું,
પતિ નામે એક પ્રબંધ થઇ ગયો છું;
તારી કેડમાં સજાવીને ફેરવે છે મને,
જાણે હું એક કટિબંધ થઇ ગયો છું!

તારાથી મોટી આફત આ જીવનમાં નહિ આવે,
મુશ્કેલીઓથી લડવા કટિબધ્ધ થઇ ગયો છું;
છતાં આનંદ છે એ વાતનો, અરે, વ્હાલી,
હું સુકુ ફૂલ, હવે સુગંધ-સુગંધ થઇ ગયો છું.

- ચિરાગ ઠક્કર 'જય'

1 ટિપ્પણી:

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.