તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 19, 2009

અદાલતની બદનક્ષી

પોતાની સ્ત્રીને મારવાના આરોપસર એક માણસને અદાલતમાં ખડો કરવામાં આવ્યો. એની 'દર્દ-કહાણી' સાંભળીને ન્યાયાધીશે એને 'પ્રોબેશન' પર છોડ્યો.

વળતે દિવસે જ સ્ત્રીનાં હાડકાં ફરી ખોખરાં કરનાર એ આદમી તે જ ન્યાયાધીશ સમક્ષ પાછો ખડો થયો. "સાહેબ, વાત જાણે એમ બની કે," ધૂવાં પૂવાં થયેલા ન્યાયાધીશ પાસે ખુલાસો કરતા એણે જણાવ્યું, "કાલનો દિવસ મારો બહું ખરાબ ગયો - અહીં કોરટમાં, આટલા બધા મણસો વચ્ચે, સાહેબ, મારું માથું ફાટફાટ થતું હતું. એટલે મને થયું કે જરાક નશો કરું તો કાંઇક કળ વળશે. પછી થોડોક વધુ....અને વળી થોડો વધારે. અંતે જ્યારે હું ઘેર પહોંચ્યો ત્યારે બાયડીએ મને "પીટ્યા દારૂડિયા" કહીને વધાવ્યો. તોયે, નામદાર, મેં કાંઈ કર્યુ નહીં.મારી દશાનો મે વિચાર કર્યો ને મને લાગ્યું કે એનો ગુસ્સો સાવ ગેરવાજબી નહીં હોય. ત્યાં તો એ પાછી તાડુકી, "મૂઓ નઘરોળ, હરામનાં હાડકાંનો!" તોય, સાહેબ, મેં કાંઈ કર્યુ નહીં. મારી છૂટી ગયેલી નોકરીનો અને ચડી ગયેલા ઘરભાડાનો વિચાર મને આવ્યો અને હું મૂંગો મૂંગો સાંભળી રહ્યો.

"પણ પછી, નામદાર એ કાળમુખી એવું બોલી કે, રોયા માજિસ્ટ્રેટમાં ટીપુંય અક્કલ બળી હોત તો આ નખ્ખોદિયાને જેલ ભેળો જ કર્યો હોત!"

"અને, સાહેબ, આવી રીતે એણે નામદાર કોર્ટને ગાળ દીધી એ તો મારાથી કોઈ રીતે સહન થયું નહીં!"
(અર્ધી સદીની વાચનયાત્રા - ૧ માંથી સાભાર)

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.