તાજેતરની પોસ્ટસ

એપ્રિલ 01, 2009

આ દેશમાં હિન્દુ હોવું ગુનો છે? - હર્ષલ પુષ્કર્ણા

લગભગ ૮પ ટકા હિન્દુ વસ્તી ધરાવતા દેશમાં હિન્દુ તરીકે પોતાની ઓળખાણ આપવામાં શરમ, સંકોચ અને નીચાજોણું અનુભવતા હિન્દુઓનો આપણે ત્યાં તોટો નથી. હિન્દુ હોવા છતાં સેક્યુલારિઝમના નામે ફીફાં ખાંડતા રહી બુદ્ધિજીવી હોવાનો મનોમન હરખ અનુભવતા લોકોનો તો આજકાલ રાફડો ફાડ્યો છે. સેક્યુલારિઝમ નામનો વાયરસ સૌ પહેલાં ભારતના પત્રકારોને લાગ્યો અને પછી સમાચાર માધ્યમો મારફત તેનો ચેપ આજે આમ આદમી સુધી ફેલાયો છે. પરિણામે વરૂણ ગાંધી જેવા એકાદ હિન્દુ નેતા ક્યારેક હિન્દુતરફી એકાદબે વાક્યો ઉચ્ચારે, એટલે તેનાં બે સ્વાભાવિક રિએક્શનો આવે છે--
(૧) પ્રો-હિન્દુ વલણ દાખવવા બદલ મીડિયા તે નેતાને (વરૂણ ગાંધીના કેસમાં બન્યું તેમ) લઇ પડે છે અને પછી દિવસો સુધી કેડો મૂકતું નથી. (૨) સેક્યુલારિઝમથી પીડિત પ્રજા (પોતે હિન્દુ હોવા છતાં) તે નેતાની ઝાટકણી કાઢવામાં પોતાનું ‘બુદ્ધિધન’ ખર્ચવા બેસી જાય છે.

ટૂંકમાં, હિન્દુ હોવું અને હિન્દુ હોવાની વાત છેડવી તે આપણા દેશમાં અપરાધની સમીપ છે. વરૂણ ગાંધીએ તેમના જાહેર પ્રવચનમાં જે બણગાં ફૂંક્યાં હોય તે ખરા અને પ્રવચન બાદ પોતાના બચાવમાં તેમણે જે કહ્યું હોય તે ખરૂં, પણ પોતે હાડોહાડ હિન્દુ હોવાનો એકરાર તેમણે કર્યો તેમજ શબ્દો વડે પોતાનું હિન્દુતરફી વલણ વ્યક્ત કર્યું તેનાં માઠાં પરિણામો તેમણે ભોગવવાનાં થયાં. મીડિયાએ બીજા દિવસે વરૂણ ગાંધીનાં પ્રો-હિન્દુ વાક્યોને મોટા અક્ષરે છાપ્યાં, તેના પર પોતાની ટિપ્પણીઓ આપી, વરૂણ ગાંધીના ભાષણની વિરૂદ્ધ તંત્રીલેખો લખાયા અને બાકી રહેલું ઝેર ન્યૂઝ ચેનલોએ ઓક્યું.

વરૂણ ગાંધી હોય, પ્રવીણ તોગડિયા હોય કે પછી હિન્દુઇઝમની વાત કરતો બીજો ગમે તે નેતા હોય; મીડિયાની ફિટકાર તેણે હંમેશાં ઝીલવાની રહે છે. ‘હિન્દુવાદી’નું વણમાગ્યું લેબલ તેને મારી દેવામાં આવે છે. આ લેબલ ત્યાર પછી તેની કાયમી ઓળખાણ બની જાય છે. જુદી રીતે કહો તો ‘એન્ટિ-મુસ્લિમ’ એ તેની કાયમી ઓળખ બને છે. તમે હિન્દુ હોવ એનો મતલબ એવો કદી નથી હોતો કે તમે એન્ટિ-મુસ્લિમ છો--અને છતાં આપણા દેશમાં એ જ પ્રકારનું અર્થઘટન થતું આવ્યું છે. પરિણામે સરેરાશ હિન્દુને પોતે હિન્દુ હોવાની પિછાણ આપવાનો ડર પેસી ગયો છે. આ ડરને મીડિયાએ તથા કહેવાતા બુદ્ધિજીવી સેક્યુલારિસ્ટોએ વટાવી ખાધો છે અને આજના સરેરાશ હિન્દુને આવતી કાલનો સેક્યુલારિસ્ટ બનાવવા તેઓ મચી પડ્યા છે. ‘હું હિન્દુ છું’ એવું કહેનાર હિન્દુ સામે કાયદાકીય પગલાં લેતી કાનૂની કલમ તેમણે સંસદમાં ઘડાવી નાખી નથી એટલી ગનીમત માનો.

બાકી તો લોકશાહીના ભારત દેશમાં એક હિન્દુ તરીકે તમે જીવતા હો તો અફઝલને ફાંસીએ લટકાવવામાં થતા વિલંબ સામે, અવારનવાર થતા બોમ્બ ધડાકાઓ સામે, મુંબઇમાં નિર્દોષોને રહેંસી નાખનાર કસબને જેલમાં મળતા બાદશાહી ઠાઠ સામે, રઘુનાથ તેમજ અક્ષરધામ જેવાં મંદિરો પર થતા આતંકવાદી હુમલાઓ સામે, આતંકવાદ સામે સરકારનાં ઢીલાપોચાં વલણ સામે અને આ બધા તરફ ઠંડુંગાર વલણ દાખવતા મીડિયા સામે અવાજ ઉઠાવવાનો લોકશાહીની રૂએ તમને અધિકાર છે. પણ ક્યાંક ભૂલમાં ‘હું હિન્દુ છું...’ એમ કહેવાની ચેષ્ઠા ન કરશો, કેમ કે આવતી કાલના સેક્યુલારિસ્ટ ભારતમાં એ ગુનો ઠરશે!

- હર્ષલ પુષ્કર્ણા

From http://harshalpushkarna.blogspot.com/

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

આપને શું ગમ્યું ને શું ખટક્યું એ જરૂર કહેજો. આભાર.