તાજેતરની પોસ્ટસ

June 09, 2016

શ્રી વિનોદ ભટ્ટના આશીર્વાદ, "તું ગુજરાતી વાંચી શકે અને વાંચતી રહે!"

          ગઈકાલે (8/6/16) 'ગુજરાતના વિનોદપુરુષ' શ્રી વિનોદ ભટ્ટને જ્યારે રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક અર્પણ થવાનું હતું, ત્યારે ત્યાં જવાનું પૂરું આયોજન હતું. છેલ્લી ઘડીએ પેલા ઈન્ટરનેટના ત્રિકાળજ્ઞાની બની બેઠેલા ગૂગલદેવ સાથે કરેલા એક કરાર મુજબ બધાં જ કામ બાજુએ મૂકીને તાકીદનું કામ કરવું પડ્યું એટલે જઈ શકાયું નહીં. જીવનમાં ઘણી બધી આનંદની ક્ષણો આપનારા શ્રી વિનોદ ભટ્ટને અંતરથી અભિનંદન.

          ગયા મહીને પુસ્તક મેળામાં શ્રી વિનોદ ભટ્ટે મારી દીકરી આર્નાને આશીર્વાદ આપ્યાં હતાં, "તું ગુજરાતી વાંચી શકે અને વાંચતી રહે એવા આશીર્વાદ!" જોકે ૨૦૧૫ના પુસ્તક મેળામાં આર્નાને વિનોદદાદાની સાથે-સાથે તારકદાદાના આશીર્વાદ પણ મળ્યા હતા!

April 23, 2016

જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથીવિશ્વ પુસ્તક દિવસ નિમિત્તે એક Bibliophile તરફથી સર્વે પુસ્તક પ્રેમીઓને Bookaholic બની રહેવાની શુભેચ્છાઓ!  ફરીવાર એજ સંકલ્પ, "જીવીશ, બની શકે તો, એકલાં પુસ્તકોથી."

December 30, 2015

જ્ઞાનપીઠ પુરસ્કારથી સન્માનીત શ્રી રઘુવીર ચૌધરી સાથે

હજી હમણાં જ શ્રી રઘુવીર ચૌધરીએ 'ઇક્ષ્વાકુના વંશજ'ના અનુવાદની નોંધ લીધી હતી (૧૩/૧૨/૨૦૧૫), હમણાં જ ભુજમાં તેમની સાથે પરિચય થયો હતો (૨૫/૧૨/૨૦૧૫) અને ગઈ કાલે જ તેમને જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યાના સમાચાર જાણીને આનંદ થયો હતો. અને આજે (૩૦/૧૨/૨૦૧૫) 'ઓમ કોમ્યુનિકેશન'ના પૂર્વનિયોજીત કાર્યક્રમમાં તેમને સાંભળવો ગયો અને તેમની સાથે તસવીર લેવાનો મોકો મળી ગયો. આનંદ આનંદ!

December 13, 2015

બોલચાલની ભાષામાં ભાવાનુવાદિત પુસ્તક 'ઇક્ષ્વાકુના વંશજ' - શ્રી રઘુવીર ચૌધરી

આભાર શ્રી રઘુવીર ચૌધરીજી. આપના દ્વારા લેવાયેલી નોંધ અને આપના સૂચન, બંને શિરોધાર્ય.

દિવ્ય ભાસ્કર, રસરંગ પૂર્તિ, પાન ૫, તા. ૧૩/૧૨/૨૦૧૫

December 11, 2015

મા... મારી મા - અશ્વિની ભટ્ટ

     હું હીંચકે બેસું અને તે પણ સાથે આવીને બેસે, ક્યારેક હું જાણે હમણાં જ જનમ્યો હોઉં તેમ મારી સામે અનિમેષ જોતી રહે, એકાએક તેનો હાથ મારા માથે મૂકે અને ધીરેથી કહે, તું સાચે જ ઘરડો થઈ ગયો છે. મને બાળક તરીકે, ગોદમાં રમતા ભૂલકા તરીકે જોવાની તેની આદતનું એ પરિણામ હશે કે પછી સાચે જ તેને હું બદલાયેલો લાગતો હોઈશ?
ધ અશ્વિની ભટ્ટ (The Ashwinee Bhatt) 
     નાનપણમાં તેણે મને કેટલીય વાર પીટ્યો હતો, તેની હથેળી અને આંગળીઓના સોળ પણ મારા બરડે ઊઠી આવતા, હું રોષે ભરાતો, રીસાતો, ઘરની બહાર ચાલી જતો.  રાત પડતી અને મારી પીઠ પર તેનો હાથ ફરતો, મારા બરડા પરના સોળ જાણે ભૂંસાઈ જતા, વાત્સલ્યની ઠંડક મારી પીઠ પર પ્રસરતી અને સોનેરી સોણલામાં હું ખોવાઈ જતો. પરીઓનો દેશ કેવો હોય છે એ આજે હું ભૂલી ગયો છું અને હવે ગુસ્સે થઈ જાઉં છું, ક્યારેક મેં કદીય ના બોલ્યુ હોય એવું બોલી નાંખું છું, તેને ન ગમે તેવું વર્તન પણ કરી બેસું છું, તે હજુય ગુસ્સે થાય છે. પણ હવે મને થપ્પડ મારતી નથી, મારે બરડે સોળ ઊઠતા નથી કે પહેલાની જેમ હું રીસાતો નથી. હું મોટો થઈ ગયો છું અને એટલે 'એ નહીં સમજે' કહીને તડજોડ કરી નાખું છું.  મારા મગજમાં જાણે કે ગણિત પેઠું છે, વાત્સલ્યને બદલે સમજદારી... અણસમજની મારી વ્યાખ્યા બદલાઈ ગઈ છે. હું ભણતર પામ્યો છું, મા તેવી ને તેવી જ છે, વર્નાક્યુલર ફાઇનલ ભણેલી.
     જિંદગીનાં વર્ષોએ મને રૂક્ષ બનાવ્યો છે, સંવેદનશીલતાની જગ્યા સહનશીલતાએ લીધી છે, પહેલાની જેમ કજીયો કરવાનું હું ભૂલી ગયો છું અને એટલે મારી પીઠ પર ઠંડક વળતી નથી, ક્યારેક મા સામે જોઈ લઉં છું અને કલમ થંભી જાય છે. મને ઘાણીમાં ફરતા બળદ દેખાય છે, ઘમ્મર વલોણે ઝુમતી એક જુવાન સ્ત્રી દેખાય છે તો ક્યારેક વળી ઘંટીના પડ પર  ઝૂકીને એક પગ લંબાવીને, ઘંટીની ઘરઘરાટી સાથે ગવાતું ગીત સંભળાય છે.
     એ બધું બદલાયું છે, કેરીના ઢગલા પર બેસીને કેરી ચૂસવાનો આનંદ છેલ્લા ત્રીસ વર્ષમાં ક્યારેય માણ્યો નથી, ઘઉંના ઢગલા પર ઘરના માળિયામાંથી ભૂસકા મારવાનુંય હવે બનતું નથી. કેરી હવે ગાડામાં આવતી નથી. થેલીમાં આવે છે. નંગને હિસાબે આવે છે, ઘઉંના થેલાને બદલે એલ્યુમિનિયમના ડબ્બામાં બે કે ત્રણ કિલો ઘઉં દળાય છે. માએ આ બધી પરિસ્થિતિ જોઈ છે. તે મહિનાની છેલ્લી તારીખે પણ હસતી હોય છે. તેણે મને જન્મ આપવાનું દર્દ વેંઢાર્યું છે. હું સામે છું તે જ તેને માટે બસ છે. છતાંય તેની આંખોમાં ખાલીપો છે, તે હીંચકે બેસે છે અને ગૂઢ વિચારમાં પડી જાય છે, તેની આસપાસ એકલતાની જવનિકા ઢોળાય છે, તેનું હ્દય ગૂંગળાય છે, છેલ્લા ચાર દાયકાથી તે એકલી છે. તેના કમરામાં એક છબી છે, મારા પિતાજીની, મારે માટે એ છબીનું અસ્તિત્વ આંશિક છે... ક્યારેક એ છબી પાસે જાઉં છું અને ઉર્મિઓ ઘેરી વળે છે, ક્યારેક... મને સમય નથી. દોડતી જિંદગીની આ ગાડીનો હું બેફામ મુસાફર બની ગયો છું... મારે ક્યાં જવું છે? શું કરવું છે?.. કેમ દોડું છું?.. શું પકડવા મથું છું?.. વિચારવાનો સમય નથી... હું બસ દોડ્યા કરું છું....
     પણ મા હીંચકે બેસીને માળા કરે છે... એના ચહેરા પર નિસ્પૃહતાનો અંચળો ઘર કરી ગયો છે, તેણે વાસ્તવિકતાનો સ્વીકાર કરી નાખ્યો છે. તેના જીવનમાંથી રોમાંચ ચાલી ગયો છે. તેની યાદને પણ તેણે સ્થિતપ્રજ્ઞની જેમ સંકેલી નાખી છે... તે રાહ જુએ છે શરીરની ઘડિયાળની ચાવી ઊતરી જાય તેની...
     હું ચાવી મચડ્યા કરું છું, ઘડિયાળની સ્પ્રિંગો તંગ કરતો જાઉં છું, મારી માને તેની ચિંતા છે. તેના ચહેરા પરનો સંન્યાસ તે મને આપવા મથે છે. આંખોમાં મોતિયા છતાં તેની કીકીઓનું માર્દવ ઘટ્યું નથી... એ કીકીઓમાં ઝરતું, વરસતું ઓજસ જાણે, અજાણે મારા પર ઢોળ્યા કરે છે... તેની જિંદગી સંકેલાશે ત્યારે એ આંખો મીંચાશે... ઓજસ ઓસરી જશે... બરડા પરના ઓજસ તો ક્યારનાય ભૂંસાઈ ગયા છે... અને ચામડી નીચે ચરબીનો થર લાગ્યો છે. એ દિવસે હું રડીશ અને પછી... કાંઈ નહીં... એ જ રફતારે હું ગાડી પકડવા દોડીશ, મૃગજળ પીવા મથીશ, ક્યારેક તેની છબી સામે જોઈશ, મારા બરડા પર ફરીથી સોળ સોળે કળાએ ખીલી ઊઠે તેની ઝંખના કરીશ... અને એ સોળને લૂંછવા... ભૂંસવા એ હથેળીનો સ્પર્શ ઝંખતો રહીશ...
     મા તો દિગંતના પ્રવાસે ચાલી ગઈ હશે, એક દિવસ મારે પણ એ પ્રવાસે જવાનું આવશે અને ત્યારે ફરી વખત એક ચકરાવો શરૂ થશે... માની ઝંખનામાં હું પુનર્જન્મની વાટ જોતો વિરમીશ.

(પુસ્તકઃ Love you મમ્મી, સંપાદનઃ રાજ ભાસ્કર, પ્રકાશકઃ બુક શેલ્ફ, અમદાવાદ, મૂલ્યઃ ૩૫૦ માંથી સાભાર) 

November 06, 2015

અમીશ ત્રિપાઠીનું 'ઇક્ષ્વાકુના વંશજ'

મિત્રો,

     આજે મારા દ્વારા અનુવાદિત ૧૪મું પુસ્તક પ્રગટ થઇ ગયું છે. 'ભારતના પ્રથમ સાહિત્યિક પોપસ્ટાર' તરીકે વિખ્યાત અમીશ ત્રિપાઠીએ 'શિવકથન નવલકથાત્રયી' પછી 'રામ ચંદ્ર શ્રેણી'નું પ્રથમ પુસ્તક 'ઇક્ષ્વાકુના વંશજ' નામે આપ્યું છે. 

   
 'રામાયણ'ની વાર્તા તો અાપણે બધાં જ જાણીએ છીએ પણ તેમાં કેટલીક વિગતો ખૂટતી હોય તેમ નથી લાગતું? જેમ કે, 'રામાયણ'ના પ્રારંભમાં જ રાજા દશરથ એક યુદ્ધ લડે છે અને તેમાં જ કૈકેયીને તેની કોઈ પણ બે ઇચ્છાઓ પૂરી કરવાનું વચન આપે છે, પણ એ યુદ્ધ તેમણે કોની સાથે કર્યું હતું? સ્વયં ખૂબ જ શક્તિશાળી હોવા છતાં મહર્ષિ વિશ્વામિત્રને અસુરો સામે લડવા માટે બાળ રામની જરૂર શા માટે પડે છે? માત્ર ભ્રાતાભક્તિને કારણે જ ભરત રામની પાદુકાને રાજસિંહાસન પર સ્થાન અાપે છે કે તે સમયની કોઈ રાજકીય ગણતરી પણ તેમાં રહેલી છે? અત્યંત બુદ્ધિશાળી માનવામાં આવતી સીતા માત્ર મૃગચર્મ માટે રામને કેમ મૃગ પાછળ મોકલે છે? કેવી રીતે રાવણે બનાવી સોનાની લંકા?

     અમીશની વાતમાં શ્રદ્ધાથી વધારે મહત્વનો હોય છે તર્ક અને અાવા કેટલાયે પ્રશ્નોના ઉત્તર તેમણે 'ઇક્ષ્વાકુના વંશજ'માં આપવાનો પ્રયત્ન કર્યો છે. એટલે જ તત્કાલીન ભારતના સૌથી વધુ વેચાતા લેખક અમીશ ત્રિપાઠીના આ પુસ્તકને વાંચવું જ રહ્યું.

     'નવભારત સાહિત્ય મંદીર' દ્વારા પ્રકાશિત આ પુસ્તક Dhoomkharidi.com અને Amazon.in પર પણ ઉપલબ્ધ છે.

October 25, 2015

અપરણિત મુસ્લિમ પુરુષની હિંદુ વિધવાની વાત: Ennu Ninte Moideen

     થોડાંક સમય પહેલા દક્ષિણ ભારતની તમિલ અને તેલુગુ ભાષામાં બનેલી (અને હિંદી તેમજ મલયાલમમાં ડબ થયેલી) 'બાહુબલી' ફિલ્મે ભારતભરમાં નવા-નવા કિર્તીમાન સ્થાપ્યાં અને દર્શકોના મન તેમજ સોશિયલ મીડિયા સાઇટ્સ પર ધૂમ મચાવી હતી. અત્યારે દક્ષિણ ભારતની મલયાલમ ભાષામાં બનેલી અન્ય એક ફિલ્મ 'Ennu Ninte Moideen' (Yours Truly Moideen) ત્યાં ધૂમ મચાવી રહી છે. 'બાહુબલી' epic historical fiction હતી જ્યારે 'Ennu Ninte Moideen' એક પ્રણયકથા છે. જે સત્યકથાને આધારે તે ફિલ્મ બની છે, તેની વાત અહિં કરવી છે.
     કોટંગલ કંચનમાલા અત્યારે 75 વર્ષની છે. કેરાલાના કોઝિકોડે (Kozhikode) ડિસ્ટ્રીક્ટના નાનકડા નગર મુક્કમ (Mukkam) માં આવેલું તેનું ઘર હવે પ્રેમીઓ માટે યાત્રાધામ બની ગયું છે અને કંચનમાલાને સાચા પ્રેમના પ્રતિક તરીકે જોવામાં આવી રહી છે. જાણે કે આખું કેરાલા પોતાના પ્રેમી માટે જીવનના લગભગ 60 વર્ષો ખર્ચી નાખનાર આ સ્ત્રીના પ્રેમમાં પડી ગયું છે.
*****
'Ennu Ninte Moideen': ડાબી બાજુ, મોઇદ્દીન અને કંચનમાલા, જેમની અદ્ભુત પ્રણયકથાના આધારે અા ફિલ્મ બની છે. જમણી બાજુ, ફિલ્મનો નાયક પૃથ્વીરાજ અને નાયિકા પાર્વતી.

     છ દસક પહેલાના ભારતમાં નવી-નવી મળેલી આઝાદીની ખુશી હતી અને જે સિદ્ધાંતો થકી એ મળી હતી, તે લોકોના મનમાં તાજા હતાં. ઈરુવાઝ્હિંજી (Iruvazhinji) નામની નાનકડી નદીના કાંઠે વસેલા નાનકડા ગામ મુક્કમમાં મુસ્લિમ અને હિંદુ પરીવારો એકબીજાના મિત્રો બની શકતાં હતાં. ધનિક મુસ્લિમ ઉન્નીમોયીનો (Unnimoyi) પરિવાર અને પ્રતિષ્ઠીત હિંદુ તિયા (Thiyya) કુટુંબના અચુતન (Achuthan) વચ્ચે સારી મિત્રતા હતી પરંતુ સમાજ એટલો રૂઢિચુસ્ત અવશ્ય હતો કે હિંદુ અને મુસ્લિમ વચ્ચે લગ્ન તો અશક્ય જ માનવામાં આવતા હતાં. (વર્તમાન ભારતમાં પણ પરિસ્થિતિ કંઈ ખાસ અલગ નથી.) એ સમયે અચુતન પોતાની પુત્રી કંચનમાલાને ડૉકટર બનાવવાના સ્વપ્ન જોતા હતા. ઉન્નીમોયીનો પુત્ર મોઇદ્દીન અને કંચન પણ બાળપણથી મિત્રો હતા.
     એકવાર ભારે વરસાદ પડતો હતો અને ઘરની ગાડી બગડેલી હોવાના કારણે શાળા જવા માટે કંચન બસમાં બેઠી હતી. આગળના કાચમાં તેણે મોઇદ્દીનની ભૂખરી આંખો અને બહોળું સ્મિત જોયું અને તે દિવસથી કંઇક બદલાઈ ગયું હોય તેમ કંચનને લાગ્યું. બસ આગળ વધી એ દરમિયાન મોઇદ્દીન તેની પાસે આવીને વાતો કરે છે. કચન માત્ર નવમા ધોરણમાં ભણતી હોય છે અને મોઇદ્દીન તેનાથી ત્રણ વર્ષ મોટો હોય છે. એ નાજુક ઉંમરે આ પ્રણયકથા શરૂ થાય છે અને મોઇદ્દીન પ્રખ્યાત મલયાલમ કવિ ચંગમપુઝા (Changampuzha) ની કવિતાઓ તેને મોકલવા માંડે છે.
     1957 માં  મોઇદ્દીન પરિવાર સમક્ષ પોતાના પ્રેમની વાત જાહેર કરે છે. તેના પિતાજી ગુસ્સામાં આવીને તેની સામે બંદૂક તાકે છે અને મોઇદ્દીન ઘર છોડી જાય છે. બીએસસી કરી રહેલી કંચનની કૉલેજ પણ બંધ કરાવી દેવામાં આવે છે. પછીના 10 વર્ષ સુધી તેમની મુલાકાત પણ થતી નથી. તે બંને વચ્ચે માત્ર પત્રવ્યવહાર થતો રહે છે અને એ પણ કંચને વિકસાવેલી ગુપ્તભાષામાં જ. 23 નવેમ્બર 1967 ના દિવસે નદીકાંઠે તેમની ટૂંકી મુલાકાત થાય છે. મુલાકાત પૂરી થાય છે ત્યારે કંચન જે જગ્યાએ ઊભી હોય છે, ત્યાંની માટી મુઠ્ઠી ભરીને મોઇદ્દીન પોતાની સાથે લઇ જાય છે.
     પછીના 15 વર્ષ સુધી ચોરીછૂપીથી તેમની નાની-નાની મુલાકાતો થતી રહે છે. ધર્મ અને સ્ત્રી એટલે કુળની ઇજ્જત એવી માન્યતાને કારણે તેમનો પ્રેમ આશા અને નિરાશા વચ્ચે ઝોલા ખાતો રહે છે. જો કંચન કોઇ મુસ્લિમને પરણે તો તેની પાંચ બહેનોના લગ્ન ન થાય, એ કારણે એ પાંચેય બહેનો પરણી જાય ત્યાં સુધી તે બંને રાહ જુવે છે. પછી ચાર વાર તેમણે ઘરેથી ભાગી જવાનું આયોજન કર્યું પણ ચારેય વખત કોઇ સમસ્યા આવી ગઈ. પહેલી વાર નક્કી કર્યું ત્યારે કંચનના ભાઈનું મૃત્યું થઈ જાય છે, બીજી વાર કંચનના પિતાને હાર્ટ-અટેક આવે છે. ત્રીજી વાર જ્યારે ભાગવાનું નક્કી થાય છે, ત્યારે કંચનની ગર્ભવતી ભાભી કુટુંબની ઇજ્જતનો હવાલો આપીને તેને રોકી લે છે. ચોથી વાર મોઇદ્દીનના પિતાનું અવસાન થઈ જાય છે. જાણે નસીબ તેમને ભેગા થવા દેવા ઇચ્છતું જ નથી. 
     જીવ્યા ત્યાં સુધી પણ મોઇદ્દીનના પિતા તેને કદી માફ કરી શકતા નથી. 11 જુલાઈ 1964 ના દિવસે તો તેઓ મોઇદ્દીનને ચાકુ મારીને ઘાયલ પણ કરે છે. ત્યારથી દરેક વર્ષે એ તારીખે કંચન અને મોઈદ્દીન એકબીજાને અચૂક પત્ર લખતા, એકબીજાને વચન આપતા, "આપણે કદી પણ જુદા નહી પડીએ અને કદી પણ બીજા કોઈને નહિ પરણીએ." 11 જુલાઈ 1982 ના રોજ કંચન પોતાના લોહી વડે આ વર્ષો જૂનું વચન પત્રમાં લખે છે.  15 જુલાઈના દિવસે એ પત્રને તે પોસ્ટ કરવા જાય છે. સાંજે જ્યારે તે ઘરે પાછી ફરી રહી હોય છે, ત્યારે તેને સમાચાર મળે છે કે 45 વર્ષનો મોઇદ્દીન ઈરુવાઝ્હિંજી નદીમાં જ તણાઈ ગયો છે. મોઇદ્દીનને બહુ સારી રીતે તરતા આવડતું હોય છે પણ નદીમાં પલટી ખાઈ ગયેલી હોડીના મુસાફરોને બચાવવામાં તે પોતાનો જીવ ગુમાવે છે.
     અહિં સુધીની વાત તો સામાન્ય પ્રણયકથા જેવી જ લાગે છે પણ અહિં જ આ પ્રણયકથામાં નવું પરિમાણ ઉમેરાય છે. પોતાના પ્રેમી પાછળ પોતાનો જીવ અાપી દેવા માટે કંચન ખાવા-પીવાનું છોડી દે છે. 13 દિવસ સુધી તે એજ અવસ્થામાં રહે છે. છેવટે તે એવી ઇચ્છા દર્શાવે છે કે જે નદીમાં મોઇદ્દીન ડૂબી ગયો છે, જેનું પાણી મોઇદ્દીને છેલ્લીવાર પીધું છે, તેના પાણીનો એક ઘૂંટ તેને પીવો છે. તેને એ ડહોળુ પાણી આપવામાં આવે છે અને તે સમયે જ કંચન પોતાના જીવનનો અંત લાવી દેવાનો નિર્ણય કરે છે. એ સમયે મોઇદ્દીનની માતા ફાતિમા તેને કહે છે કે મોઇદ્દીને બીજાનો જીવ બચાવવા માટે પોતાના જીવનનું બલિદાન આપી દીધુ હતું એટલે આવી રીતે જીવન વેડફી નાખવું તો મોઇદ્દીનને કદી પણ ગમ્યું ન હોત. ફાતિમાબીબી કંચનને મોઇદ્દીનના ઘરમાં રહીને જનસેવા કરવાનું સૂચવે છે. તેઓ કહે છે, "મોઇદ્દીને જે શરૂ કર્યું એ હવે તારે પૂરું કરવાનું છે."
     અને ત્યારથી કંચનમાલાએ એ કામ શરૂ કર્યું. બીપી મોઇદ્દીન સેવા મંદિરની સ્થાપના કરવામાં આવે છે અને તેના નેજા હેઠળ વિવિધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે. એ ખખડધજ નાનકડી ઈમારત હવે પ્રેમીઓ માટે યાત્રાધામ બની રહી છે. તેમાં મોઇદ્દીનનું મોટા કદનું કટ-આઉટ છે, તેની બ્લેક-એન્ડ-વ્હાઇટ તસવીરો છે. તેમાં 10,000 પુસ્તકોનું સમૃદ્ધ પુસ્તકાલય છે. મહિલા ઉત્કર્ષ, એઈડ્સ પ્રતિ જાગૃતિ, વૃદ્ધો અને વિકલાંગોની સેવા, વૃદ્ધાશ્રમ, પ્રાથમિક શિક્ષણની તાલીમ, પોલીટેક્નીકના મફત વર્ગો, કુટુંબો માટે કાઉન્સે લિંગ સેન્ટર જેવી ઘણી વસ્તુઓ કંચનમાલાના વર્તમાન અને ભાવિ આયોજનોમાં સામેલ છે.
     2007 માં જ્યારે મોઇદ્દીનના મૃત્યુને પચીસ વર્ષ પૂરા થયા, ત્યારે આ પ્રણયકથા મુક્કમ ગામની બહાર પહોંચી અને પછી તેના પરથી એક ડૉકયુમેન્ટરી બની, અને હવે એક ફિલ્મ પણ બની ચૂકી છે. 61 વર્ષની આ પ્રણયકથામાં 'સ્વ' થી 'સર્વ' સુધીનો જે વિસ્તાર છે, તે જ તેને અસામાન્ય બનાવે છે!
(Indian Express માં 25/10/2015 ના રોજ Charmy Harikrishnan ના આ લેખના આધારે.)